પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હૃદ્ગત

દોષ રહ્યો જ છે. પૂર્ણ સત્ય લખી શકાતું જ નથી. એટલે તેટલા દોષમાંથી ટળી શકાય એમ નથી. પણ સત્યની એક જ બાજુને અતિભાર આપવાથી કોઈકની હિંસા થવાની પણ ભીતિ રહે છે. અને એ ભીતિ પણ પુસ્તકને છપાવવમાં સંકોચ આણે છે.

તેથી આ પુસ્તકમાં જે જે કાંઈ નવા વિચારો છે તેને માંડવામાં મેં મારી શક્તિ અને દૃષ્ટિ પ્રમાણે અત્યંત કાળજી તો લીધી જ છે, છતાં આ લેખોથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાઓ, કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિક ભાવ ઉત્પન્ન થાય. કોઇનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાઓ. જે માર્ગે પોતાનું અત્યંત કલ્યાણ મનાયું હોય તે માર્ગને બુદ્ધિ પૂર્વક વિશેષ સારો માર્ગ દેખાયા વિના છોડવાની પ્રવૃત્તિ ન થાઓ. એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે, તો હું એનો વિચાર કર્યા વિના નહિ રહું.

આટલો દોષ થયા વિના કોઇની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે, અને એના દૃષ્ટિબિંદુને નવું વળણ મળે એ ઇષ્ટાપત્તિ જ છે. આપત્તિ એટલા માટે