પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

થયો નહિ, તેથી તમારા મરણથી હું બહુ દુઃખી થ‌ઇશ એમ તમે સમજશો નહિ. જે કોઇ બુદ્ધાપાસિકા સમાધિલાભ વાળી હશે તેમાંની હું એક છું એમ સમજો અને માનસિક ઉપાધિ છોડી દ્યો. હે ગૃહપતિ, બૌદ્ધ ધર્મનું તત્ત્વ મને હજી સમજાયું નથી એવી પણ તમને કદાપિ શંકા આવશે. પરંતુ જે તત્ત્વજ્ઞ ઉપાસિકાઓ તેમાંની જ હું એક છું એમ ચોક્કસ ધ્યાનમાં રાખો અને મનમાંની કાળજી કાઢી નાંખો."

૧૫ પરંતુ આ જ્ઞાની સ્ત્રીના સૌભાગ્યબળે એનો પતિ સાજો થ‌ઇ ગયો. બુદ્ધે આ વાત સાંભળીને એના પતિને કહ્યું, " હે ગૃહપતિ, તું મોટો પુણ્યશાળી છે કે નકુલમાતા જેવી ઉપદેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી સ્ત્રી તને મળી છે. હે ગૃહપતિ, ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની એ એક છે. આવી પત્ની તને મળી એ તારૂં મહાભાગ્ય."

ખરો ચમત્કાર

૧૬. હૃદયને આવી રીતે પલટાવી નાંખવાં એ જ અવતારી પુરુષોનો મહા ચમત્કાર છે. બીજા ચમત્કારો બાળકોને સમજાવવાનો ખેલ છે.