પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

મિત્રભાવના

જો જગત પ્રત્યેની મિત્રતાની ભાવનાની આપણે મૂર્તિ બનાવી શકીયે તો તે બુદ્ધના જેવી હોય એમ કહેવાને હરકત નથી. પ્રાણીમાત્ર વિષે મૈત્રી સિવાય બીજી કોઈ એમને દ્રષ્ટિ જ ન હતી. એના ઉપર વૈરભાવ રાખનારા કેટલાયે જન નીકળ્યા, હલકામાં હલકાં આળ ચડાવવાથી લઇને એમને મારી નાંખવા સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા. પણ એમના હૃદયમાં એ વિરોધીઓ વિષે પણ મિત્રતાથી હલકો ભાવ નીકળી શક્યો જ નહિ, એ નીચેના પ્રસંગો પરથી સમજાશે; અને તે ઉપરથી અવતાર એટલે કેવા પુરુષ હોય તેનો ખ્યાલ આવશે.

કૌશામ્બીની
રાણી

૩.કૌશામ્બીના ઉદયન રાજાની રાણી જ્યારે કુમારી હતી, ત્યારે એના પિતાએ બુદ્ધને એનું પાણી ગ્રહણ કરવા વિનંતિ કરેલી. પણ બુદ્ધે તે વખતે જવાબ વાળ્યો હતો કે "મનુષ્યના નાશવંત શરીર ઉપરથી મોહ છુટી જવાથી મેં ઘર છોડ્યું. પરણવામાં મને કશો આનંદ જણાતો નથી. હું એ કન્યાનો સ્વીકાર કેવી રીતે કરૂં?"

૫૦