પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હૃદ્ગત


કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચત્તર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યંત કષ્ટ ભોગવાવનારો છે. બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય, અને તેમાં મન, વાણી અને શરીરથી નિષ્ઠા થાય એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે. અને એ કાળ પૂર્વ માનસિક સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે. એ લડાઇનું દુઃખ રણસંગ્રામનાં દુઃખ કરતાં યે વિશેષ તીવ્ર હોય છે. પણ એ દુઃખ ભોગવ્યા વિના છુટકો જ થતો નથી. પ્રસૂતિની પીડા જાણ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી નથી; જેટલું પૂર્વારોગ્ય સારૂ એટલી પીડા ઓછી એટલું જ. તેમ કોઇનો ઝઘડો દીર્ઘ કાળ ચાલે, કોઇને ટુંકો સમય પણ ઝઘડો લીધે જ છૂટકો ઉન્નતિની તીવ્ર ઈચ્છા રાખનારા પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે, એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે. એ વેદના કરાવવામાં હું નિમિત્તભૂત થાઉં, તેનું યે મને દુઃખ લાગે છે; પણ એ વિષે નિરુપાય છું.એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સમભાવ રહેલો છે એટલું જ એને હું આશ્વાસન આપી શકું.