પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


પણ પુરુષાર્થની સાથે જો વિવેક ન હોય તો એનો વિકાસ થતો નથી. વિકાસની ઇચ્છાવાળો મનુષ્ય જે વસ્તુને માટે પુરુષાર્થ કરી રહ્યો છે તે વસ્તુને કદી પોતાનું અંતિમ ધ્યેય લેખતો નથી, પણ એને પ્રાપ્ત કરવા પૂરતું જ એને ધ્યેય કરે છે. ધનને કે પ્રસિદ્ધિને એ જીવનનું સર્વસ્વ માનતો નથી, પણ ધન અને પ્રસિદ્ધિ મેળવતાં આવડે, એ આ પ્રમાણે મેળવી શકાય, આપણે એને મેળવી શકીયે છીયે, એમાં જ મંડી રહીયે તો આટલો ધનનો ઢગલો અને આટલી લોકપ્રસિદ્ધિ આવે- એટલું જોઈ અને અનુભવી લઇ એનો મોહ છોડે છે અને એથી આગળ શું, એ શોધવા પોતાની શક્તિ દોરે છે.

એથી ઉલટું, બીજા માણસો એક જ સ્થિતિમાં જીવન પર્યંત પડ્યા રહે છે. ધનને કે લોકપ્રસિદ્ધિને કે એથી મળતાં સુખોને જ સર્વસ્વ માની, એ બન્ને ભાર રૂપ થઇ પડે, એને સાચવવામાં જ આયુષ્યનો નાશ થઇ જાય, એટલા ઢગલા ભેગા કર્યા છતાં એમાંથી નીકળતા જ નથી. ધન વડે, મોટાઇ વડે હું છું, સુખી છું, એમ માનવાની એ ભૂલ કરે છે; પણ એમ નથી વિચારી શક્તા કે મારા વડે, મારી શક્તિઓ વડે ધન અને મોટાઇ આવ્યાં છે. હું મુખ્ય છું અને એ ગૌણ છે.

પોતાની શક્તિનો કોઇ પણ કાર્યક્ષેત્રમાં રહી અત્યંત, નિસ્સીમ વિકાસ કરવો ઇષ્ટ છે. અલ્પસંતોષ, અલ્પયશથી

૬૨