પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


પણ એ વસ્તુ જ્યારે ભૂલાઇ જાય ત્યારે એ નિયમોનું પાલન જ જીવનનું સર્વસ્વ થઇ બેસે છે; સાધન એ જ સાધ્ય થઇ જાય છે. અને એમ થાય ત્યારે ઉન્નતિ તરફ લઇ જનાર જીવનનૌકા પર એ નિયમો જમીન સુધી પોહોંચેલા લંગર જેવી થઇ પડે છે. પછી એમાંથી છુટવા ઇચ્છનાર માણસ એને સાવ તોડી નાખે એમ પણ બને.

વળી આ નિયમો એ કુસંસ્કાર, અપ્રસન્નતા, અજાગૃતિ વગેરે સામે કિલ્લા રૂપ છે. જે વખતે કિલ્લામાંથી બહાર પડી લડવાની લાયકાત આવી હોય, ત્યારે એમાં પડી રહેવું ભાર રૂપ જ લાગે. તેમ જ્યારે મૈત્રી, કરુણા, સમતા વગેરે ઉદાત્ત ભાવનાઓથી ચિત્ત ભરાઇ જાય, ત્યારે એ નિયમોનું પાલન પ્રસન્નતા વગેરે ન લાવતાં ઉદ્વેગ જ કરાવે. એ મનુષ્ય એ કિલ્લામાં કેમ ભરાઇ રહી શકે?

ચિત્તની પ્રસન્નતા એટલે વિષયોનો આનંદ નહિ. ભોગવિલાસથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન રહે છે; ચાહ, બીડી, દારૂ વગેરેથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન થાય છે અને બુદ્ધિ જાગૃત થાય છે; કેટલાક મિષ્ટાન્નોથી પ્રસન્ન થઇ જાય છે. પણ આવી પ્રસન્નતા એ ખરી નથી. એ વિકારોનો ક્ષણિક આનંદ છે. મન ઉપર કશો બોજો ન હોય, કામમાંથી પરવારી ઘડીક આરામ લેતા હોઇયે, તે વખતે જેવો અકૃત્રિમ સ્વાભાવિક આનંદ હોય છે તે પ્રસન્નતા સહજ છે.

૬૪