પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.

પ્રત્યક્ષમાં ઉતરે તેમ તેમ પૂર્ણતાની વધારે સમીપ. એવી પ્રત્યક્ષ ભક્તિની ભૂખ પૂરેપૂરી ઉઘડે અને તેની તૃપ્તિ થાય ત્યાર પછી જ નિરાલંબ શાન્તિની દશાએ પહોંચાય. ગુરુભક્તિ સિવાય એ ભૂખની પૂરેપૂરી તૃપ્તિ થઈ શક્તી નથી. માતા-પિતા પ્રત્યક્ષપણે પૂજ્ય છે, પણ તેમને વિષે અપૂર્ણતાનું ભાન હોવાથી એમની સારી પેઠે ભક્તિ કર્યા બાદ પણ ભક્તિની ભૂખ રહી જાય છે, અને તેને ભાંગવા જ્યાં સુધી સદ્ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યને પરોક્ષ દેવાદિકની સાધાનાનો આસરો લેવો પડે છે. એ રીતે ગુરુ જ્ઞાનપ્રાપતિ માટે આવશ્યક છે કે નહિ એ વિચારને બાજુએ રાખીયે તોપણ એમ કહી શકાય કે એના વિના મનુષ્યની ભક્તિની ભાવનાનો પૂર્ણ વિકાસ થઇ ત્યાર પછીની ભાવનામાં પ્રવેશ થઈ શકતો નથી.

પા૦ ૩૩: વર્ણની સમાનતા- સમાજમાં વર્ણવ્યવસ્થા હોવી એ એક વસ્તુ છે, અને વર્ણમાં ઉંચનીચપણાનું અભિમાન હોવું એ બીજી વસ્તુ છે. વર્ણ વ્યવસ્થા સામે કોઇ સંતોએ વાંધો લીધો નથી. વિદ્યાની, શાસ્ત્રની, અર્થની કે કળાની ઉપાસના કરવાવાળા પુરુષોના સમાજમાં જુદાં જુદાં કર્મો હોય એમાં કોઇને વાંધો લેવાપણું ન હોય; પણ એ કર્મને લીધી જ્યારે ઉંચનીચના ભેદો પાડી વર્ણનું અભિમાન ધારવામાં આવે, ત્યારે સંતો એની સામે કટાક્ષ કરે જ છે. એ અભિમાન સામે પોકાર ઉઠાવનાર માત્ર બુદ્ધ જ નથી. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ
૭૧