પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૯૩
 

આવી ગયો હતો કે તેણે બીજે ક્યાંય ન જતાં ભગવાનદાસના આમંત્રણને સ્વીકારી લીધું.

નિશા રહેવાની હતી એટલે તેને બહુ અજાણ્યું લાગે એમ ન હતું. ભગવાનદાસને તો ગૌતમની હાજરીમાં મહાન સલામતી જડી. મિત્રાને અણધાર્યો આનંદ થયો. રૂપાળા, રઢિયાળા અને છેલબટાઉ વિદ્યાર્થીઓનાં ઝોલાંને તિરસ્કારતી મિત્રા ગૌતમની મહેમાનગીરીમાં આનંદ માની રહી હતી.

ગૌતમના માથામાં સહજ વાગ્યું હતું તેની ખબર પણ નિશાને મોડી પડી. ગાલની ઉપરના ભાગમાં ડાઘ ઊપસી આવતો હતો. ગૌતમને પોતાને પણ તેની ખબર ન હતી.

'ગૌતમ, વાગ્યું શું ?' નિશાએ પૂછ્યું.

‘ખબર નથી.’

‘જો તો ખરો.'

ગૌતમે પોતાના ગાલ ઉપર હાથ ફેરવ્યો. એક સ્થળે તેને દુ:ખનો અનુભવ થયો.

‘સહજ પથ્થર વાગ્યો લાગે છે; મટી જશે.’ ગૌતમે કહ્યું.

‘હું ક્રીમ લઈ આવું. તમે ચોપડી લો.’ મિત્રાએ કહ્યું.

ગરીબીમાં ઊછરેલા - ગરીબીને વિદ્યાર્થી તરીકે આગ્રહપૂર્વક પકડી રહેલા સમાજવાદી ગૌતમને ક્રીમમાં દુ:ખનો ઈલાજ દેખાયો નહિ.

ક્રીમની સુંદર શીશી મિત્રા લઈ આવી.

ક્રીમ કેટલી લઈને ચોપડવી તેનો ગૌતમને ખ્યાલ ન હતો. શીશી ઉઘાડી કંજૂસની માફક આંગળી અરાડી તેણે ગાલે ચોપડી. ક્રીમની સુંવાળાશ અને સુવાસ આકર્ષક હતાં - સિનેમાની નટીઓ સરખાં. ગૌતમને સૌંદર્ય, સુંવાળાશ, સુવાસ પ્રત્યે ભારે અણગમો હતો. કૉલેજની લાડતી છોકરીઓ તરફ નજર કરવાને બદલે ભારો ઊંચકી લાવતી મજૂરણ તરફ નજર કરવી એ તેને વધારે ગમતું. સરસમાં સરસ ક્રીમ પ્રત્યે તેણે જરાય ઉત્સાહ દશાવ્યો નહિ.

મિત્રા અને નિશા તેને જોઈ રહ્યાં હતાં. નિશા તેને ઓળખતી અને ગૌતમના મનને અનુસરી તે ઓછામાં ઓછો રૂપપ્રયત્ન કરતી હતી. પરંતુ મિત્રા - અતડી મિત્રા - પોતાનાં વસ્ત્રો અને દેખાવ માટે ચીવટાઈ બહુ જ રાખતી હતી.

‘અરે વધારે ક્રીમ લો ? આટલે શું થાય ?' કહી મિત્રા હસી.