પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪: છાયાનટ
 


ગૌતમે સહજ વધારે ક્રીમ લીધી.

‘એમ નહિ. લાવો હું ચોપડી આપું.' કહી મિત્રાએ ક્રીમનો સારો જથ્થો ગૌતમના ડાઘ ઉપર મૂકી દીધો.

ચચરતા ગાલ ઉપર ટાઢક વળી.

જગતનો પ્રત્યેક માનવી ક્રીમ વાપરી ન શકે ત્યાં સુધી આ નાનકડા વૈભવને આવકારવામાં ગૌતમ ગુનો કરી રહ્યો હતો એમ તેને લાગ્યું.

વૈભવની ટેવ વગરના માણસોને વૈભવનું સુખ પણ ખૂંચે છે; ફાવતું નથી. સરસ પલંગમાં સરસ ગદેલાં ઉપર સૂતેલા ગૌતમને રાત્રે નિદ્રા ન આવી. સહુના સૂતા પછી એણે મિત્રાને પોતાના ખંડમાં આવતી નિહાળી.

‘કેમ ? સૂતા નથી ? મિત્રાએ પૂછ્યું.

‘સૂતો છું ને ?’

‘અજાણ્યું લાગતું હશે.’

'ના જી'

‘કશું જોઈતું તો નથી ને ?’

'ના જી.'

'Goodnight.'[૧]

'Goodnight.'

કેટલીક વારે ગૌતમને નિદ્રા આવી.

નિદ્રામાંથી તે જાગ્રત થયો. તેણે પોતાની પાસે બે સુંદર યુવતીઓને ઊભેલી જોઈ. બંને હસતી હસતી તેને પાસે બોલાવતી હતી. મિત્રા હતી ? નિશા હતી ?

‘શું આપું તો પાસે આવો ?' મિત્રાએ પૂછ્યું.

‘હું તો સ્વરાજ્ય માગું છું.' ગૌતમે કહ્યું.

‘સ્ત્રી વગર સ્વરાજ નહિ મળે.' મિત્રાએ કહ્યું.

‘વાત સાચી, પણ એ તો મારી પાસે છે. શોખીન સ્ત્રીઓ પાસે સ્વરાજ હોય જ નહિ !’ નિશાએ કહ્યું.

'રસહીન સ્વરાજને કરશો પણ શું ?’ મિત્રાએ ટકોર કરી.

‘રસને માટે હિંદ રંજ વેઠે છે શું ? એને તો રોટલા જોઈએ. રોટલા મળશે તો રસ આપોઆપ આવશે.' નિશા બોલી.

'પણ જેને રોટલો મળ્યો છે એ શા માટે રસ ન અનુભવે ?’ મિત્રાએ


  1. ૧ નમસ્કાર : અંગ્રેજી ભાષાનો વિદાય ઉદ્ગાર...