પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮: છાયાનટ
 


મુગલાઈ-પાકિસ્તાન ગુમાવી બેસનારને હવે નવું પાકિસ્તાન જોઈએ ! ટર્કીના ટુકડા પડ્યા, મિસર, અરેબિયા, ઈરાક અને સિરિયા ઉપર ધોળો હાથ ફરી વળ્યો, અને ઈરાન અને અફઘાનિસ્તાન બાકી રહ્યા તેમાં આજનું યુદ્ધ કોનું પાકિસ્તાન રચે છે તે જોયા જાણ્યા છતાં !

હિંદુ આગેવાન કહે છે : હિંદ અમારી માતૃભૂમિ. એના અમે પાટવીપુત્ર. હિંદ અમે ગમે એટલી વાર ગુમાવ્યું હોય તોપણ અમારું પાટવીપણું એ અમારો ઈશ્વરદત્ત હક્ક. દુનિયા જ્યારે જંગલી અવસ્થામાં હતી ત્યારે અમે હિંદુઓ સંસ્કૃતિની ટોચે હતા. અને માર ખાતા ખાતા પણ હજી અમે જીવીએ છીએ.

જાણે માર ખાતે ખાતે જીવતી પ્રજાને સદાય જીવવાનો હક્ક ન હોય ! પોણા એશિયા ખંડની સીમાઓ સુધી વિસ્તરેલા આયાવર્તને સંકુચિત બનાવી હાથમાં આવેલી હિંદુપત પાદશાહીને ગુમાવી બેસનાર નિર્માલ્ય હિંદુ ટોળાને ફરી રાજ્ય કરવું છે !

વક્તાઓ ભાષણો કરે છે, વિદ્વાનો લેખો લખે છે, અક્કલબાજ મનાતા પુરુષો આઘે ઊભા રહે છે ! અને મરે છે માત્ર ફકીરો, બાવાઓ, નોકરો, ગુમાસ્તા, ફેરિયા, પાનવાળા, બીડીવાળા, દૂધવાળા અને મજૂરો !

‘રાત્રે સાત ખૂન થયાં અને ચાર દુકાનો બળી !!' ભગવાનદાસ શેઠને ત્યાં ફોન રણક્યો.

‘આ ગાંધીએ આવી હિંદુઓને બાયલા બનાવી દીધા !’ ભગવાનદાસ શેઠ અકળાઈ ઊઠ્યા. સહકુટુંબ તેઓ ચા પીતા હતા.

જાણે ગાંધીજીના આવતા પહેલાં હિંદુઓ શૌર્યના નમૂના હતા ! અને ગાંધીજીની અહિંસા જાણે બધાય હિંદુઓએ મનકર્મ વચનથી પાળી દીધી !

મિત્રા, ગૌતમ, નિશા અને મિત્રાની માતા સુશીલા પણ ત્યાં જ બેઠાં હતાં.

‘ગૌતમ તો ચાની ના પાડે છે.’ મિત્રાએ કહ્યું.

‘કાલે તો પીધી હતી, નહિ ? ભગવાનદાસે પૂછ્યું.

‘હા, જી. પણ ત્યારથી જ નિશ્ચય કર્યો કે ચા હવે છોડી દેવી.' ગૌતમે કહ્યું.

‘સારું કર્યું.' જુવાનોને જેટલી ઓછી ટેવ પડે એટલું વધારે સારું.’ ભગવાનદાસે સત્ય વાત કહી.