પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૯૯
 


‘અરે, પણ આપણે ત્યાં હોય ત્યાં સુધી ભલે પીએ. અખતરો કરવો હોય તો કૉલેજમાં જાય ત્યારે કરે.' સુશીલાએ કહ્યું. પતિના સ્પષ્ટ વકતૃત્વમાં પત્નીને કંજૂસાઈનો ભાસ થયો.

‘હું હવે કૉલેજમાં જવાનો જ નથી.' ગૌતમે કહ્યું.

'કારણ ? હજી તમારો ઝઘડો મટ્યો નથી ?' ભગવાનદાસે પૂછ્યું. શહેરના આગેવાન તરીકે શહેરના નાના મોટા બનાવોમાં તેમને સ્થાન મળતુ ખરું.

‘મારા પૂરતો ઝઘડો હજી છે. પણ મારે તે આગળ ચલાવવો જ નથી.’ ગૌતમે કહ્યું.

‘ગૌતમની ના હોય તો જુદી વાત બાકી ગૌતમને કૉલેજમાં ન દાખલ કરે તો અમે ફરી હડતાળ ઉપર ઊતરીએ.' નિશાએ કહ્યું.

‘વિદ્યાર્થીઓની જિદ છે એ જ ખોટું છે, મેં તો મિત્રાને પહેલેથી જ ચેતવણી આપી હતી કે એ તોફાનમાં એણે પડવું જ નહિ.' સુશીલાએ કહ્યું.

'વિદ્યાર્થીઓનું અપમાન થાય તોય તેમણે જિદ ન કરવી ?’ નિશાએ પૂછ્યું.

‘છોકરાંને વળી અપમાન કેવું ? અને તેમાંય છોકરીઓને ? ભણતી થાય છે એટલે હજાર પાખંડ ઊભાં કરે છે. મારું ચાલત તો મિત્રાને મૅટ્રિકમાંથી જ ઉઠાડી લેત.' સુશીલાએ કહ્યું.

માતાપિતાએ પસંદ કરેલા વર સાથે પરણવાની મિત્રાએ જ્યારથી ના પાડી હતી ત્યારથી તેનાં માતાપિતા અંગ્રેજી કેળવણી - કહો કે આખી કેળવણીની વિરુદ્ધ થઈ ગયાં હતાં.

વળી ફોન આવ્યો અને તેમાં ખબર પડી કે હિંદુ અને મુસલમાન ટોળાં સામસામે થઈ ગયાં છે, પોલીસ કોઈ જુદી જ બાજુએ વ્યવસ્થા કરે છે, બે ખૂન થઈ ગયાં છે ને સ્થાનિક મહાસભાના પ્રમુખ ઘાયલ થઈ ગયા છે. બીજો ફોન આવ્યો અને ભગવાનદાસે વાત શરૂ કરી.

‘હા. ભગવાનદાસ બોલે છે... હું. હા... હા.. ના... ઓહ... શું કહો છો ? બજાર બંધ કર્યું ? કૉલેજ બંધ હશે ?... મૅચ પણ બંધ હતી. ?... બધા અખાડાવાળા શું કરે છે ? ઉઘરાણાં તો રોજ... એમ ?... લાઠી લઈ લે છે ?... પાંચ માણસ કરતાં વધારે ભેગા થવા નથી દેતા ?... હા... હવે અટકશે... સરકારના કામમાં વાર જ બહુ.. કોંગ્રેસ કમિટીવાળા... હા ! હા !... બૈરાને બહાર મોકલવા માંડ્યા ?... આપજો વોટ હવે એમને !.. હિંદુઓ પણ સામે થયા ?... મસ્જિદ તોડી ? સામના વગર... ના ના.. હું