પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦: છાયાનટ
 


બહાર નીકળીશ તો ગેરસમજૂત થશે... અપીલમાં જરૂર મારું નામ આપો... હા, હા.. પહેલું નામ મૂકશે તોય મને હરકત નથી. ઘાયલફંડમાં મારી સો રૂપિયાથી શરૂઆત... હા જી. ખબર આમ આપતા રહેજો. થે...ન્ક....યૂ !'

‘કોનો ફોન હતો ?’ સુશીલાએ પૂછ્યું.

‘વેપારી મંડળના મંત્રીનો.'

ટોળાંની અવરજવર ચાલુ જ હતી. પોલીસના સવારો આવતાં ટોળાં ભાગી જતાં, અને પોલીસ જતાં પાછાં ભેગાં થતાં. સરકારી નોકરો, વિદ્વાનો, ધર્મગુરુઓ, વકીલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ આ ટોળામાં ભળતા નહિ. બીક તો તેમને લાગતી જ નહિ, પરંતુ ટોળાં ભેગાં પોતે થવામાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હતી. બુદ્ધિ વિશેષ હોવાનો ભ્રમ સેવતા આ વર્ગના સજ્જનો આછો આછો પકડાઈ ન જવાય એટલી હદ સુધીનો, દોરીસંચાર કરવાનું માન જરૂર લેતા હતા.

‘પચીસ જણ દંડા લેઈ ઊભા થાઓ ! મગદૂર છે કોઈની કે સામે આવે ?’ કોઈ ગૃહસ્થ ધીમી શિખામણ આપતા. અલબત્ત, એ ગૃહસ્થ જાતે કે તેમના કુટુંબમાંનો એક પણ માણસ લાઠી લઈને બહાર નીકળતો નહિ.

'પોળ બહાર દસેક જણ ઊભા રહો. જોતા બરોબર ટીપી નાખવા.’ કોઈ વીરવાણી ઊછળતી. પરંતુ પોળ બહાર ઊભા રહેવાનું બીજાએ, અને ટીપવાનું કાર્ય ત્રીજાએ કરવાનું ! બોલનારે તો નહિ જ.

બોલનાર તથા સલાહ આપનાર પોતપોતાનાં કુટુંબોને ક્યાં સલામત સ્થળે મોકલી દેવાની તેની યોજનાઓ ઘડ્યા કરતા હતા. એ સગવડ ન થાય તો પરગામ પોતે જાતે ચાલ્યા જવાની પણ ઈચ્છા એક ખૂણે અત્યંત તીવ્રતાપૂર્વક તેમનામાં જાગતી હતી. કુટુંબોનો આધાર કુટુંબપતિ ઉપર હોય છે. કુટુંબને સંભાળનાર ઈશ્વર મહાન હોય જ ! પરંતુ કુટુંબપતિએ તો એકલા પણ જીવતા રહેવાનો પુરુષાર્થ કરવો જ જોઈએ ! કુટુંબપતિના ચિરંજીવીપણામાં અનેક કુટુંબોની ભાવિ શક્યતા રહી છે. એટલે કુટુંબને ઈશ્વરઆધારે છોડી પરગામ નાસી જવાનું શૌર્ય પણ કંઈક કુટુંબપતિઓ બતાવી રહ્યા હતા.

ગૌતમ અકળાઈ રહ્યો. ફોનમાં અનેક વાતો સંભળાયા કરતી હતી. નિર્દોષ, રસ્તે જતાં, કુટુંબઆધાર ગરીબ યુવાનના પેટમાં છરો ખોસાય ! સહુને આશીવાર્દ આપતા કોઈ વૃદ્ધના માથા ઉપર લાઠીની ઝડીઓ વરસે ! પૂજનીય સ્ત્રી ઉપર પથરા પડે ! અને ફૂલબાળકોને બાળી દેવાય ! હિંદુના ખૂને મુસ્લિમ રાજી થાય, મુસ્લિમના ખૂને હિંદુ રાજી થાય !