પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૩
 

સૂતો જ ન હતો. એની ઓરડીમાં ભૂત ફર્યા કરતાં હોય એવો કાંઈ ભાસ, તેને થયા જ કર્યો. શાસ્ત્રીય સતયુગના વર્તમાન સમયમાં ભૂતનું અસ્તિત્વ હોઈ શકે જ નહિ એવી ગૌતમને ખાતરી હતી. છતાં નાનપણમાં પડેલા ભૂતવાર્તાઓના સંસ્કાર તેની મીચેલી આંખ આગળ રૂપ ધારણ કરતા હતા. એ જૂઠાણાને ઓળખી ગૌતમ હસતે હસતે પણ ભૂતની મિથ્યા હાજરી અનુભવી રહ્યો.

બાળકેળવણીમાં ભૂત, જીન, પરી અગર રાક્ષસ જેવાં સત્ત્વોની વાર્તાઓ દાદીએ, માએ કે શિક્ષકશિક્ષિકાએ કહેવી જ ન જોઈએ એવા સિદ્ધાંતને દૃઢ કરતા ગૌતમે એકાએક ભયંકર ઝબકારો અનુભવ્યો અને તેની આંખો ઊઘડી ગઈ. આંખો ઉઘાડતા બરોબર તેણે તેની સામે દસ મસ્તકધારી રાવણને તિરસ્કારથી હસતો નિહાળ્યો. એ હાસ્ય ઝબકારો ઉપજાવ્યો અને હાસ્યમાંથી એક કરાલ ગર્જના પણ ગડગડી.

‘રાવણ છે તું ?’ ગૌતમે સહજ ભયથી પૂછ્યું

‘હા.'

'તું હજી જીવે છે?'

'જોઈ લે મને. હું જીવું છું કે નહિ ?’ રાવણનાં દસે મસ્તક સાથે બોલી ઊઠ્યાં.

‘મારી પાસે કેમ આવે છે ?’

‘રામનો પડછાયો પણ હું ભાળું છું તો જીવંત બની તેની પાછળ પડું છું. તારી ઓરડીમાં રામ સંતાયો છે.'

‘રામ ? મારી ઓરડીમાં તો હું એકલો જ છું. ઓરડીમાં બે જણને રહેવાની મના છે.'

‘ત્યારે તું જ રામ હોઈશ.’

‘હું ? રામ ? જા, હું એ જુનવાણી આદર્શને ઈચ્છતો જ નથી.’

‘ત્યારે મને એ પડછાયો દેખાયો કેમ ?'

‘પેલા ગાંધીએ કાંઈ રામરાજ્યના પોકારો ઉઠાવ્યા છે. મારે ન રામ જોઈએ, ન રામરાજ્ય. હું વધારે પ્રગતિશીલ છું.’

‘યાદ રાખજે. રામનું નામ દીધું તો સામે રાવણ ઊભો જ છે !... અને તમારા જૂઠા પ્રચારકોએ ઊભા કરેલ ભ્રમને સાચો ન માનીશ.’

‘પ્રચારકો ? ભ્રમ ?’

‘વાલ્મીકિ અને તુલસીદાસ જેવા જૂઠા અને પક્ષપાતી પ્રચારકો ! શું જુઠાણું ફેલાવ્યું છે ? રામે રાવણને માર્યો !... હા... હા, હા... કંઈક રામને