પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨: છાયાનટ
 


‘આપણું કોણ સાંભળશે ?' મિત્રાએ કહ્યું.

‘ન સાંભળે તો ઘરને આપણે જ આગ લગાડીએ. ગુંડાઓની રાહ જોવાનું કાંઈ કારણ ?’ ગૌતમે કહ્યું.

મિત્રા અને નિશા બંને હસ્યાં.

'ગૌતમ તો છે જ એવો ! આ હુલ્લડોમાંથી એને ક્રાન્તિ સર્જવાનાં સ્વપ્ન આવતાં હશે !’ નિશાએ કહ્યું.

‘સ્વપ્ન ? આપણે સ્વપ્નને સત્ય બનાવીએ.'

તે જ ક્ષણે બહાર કોલાહલ સંભળાયો. ગૌતમ એકદમ ઊભો થયો. નિશા અને મિત્રા પણ ઊભાં થયાં અને ગૌતમની પાછળ ચાલ્યાં. બારણું ઉઘાડી ઓટલા ઉપર આવી જોતાં સમજાયું કે મુસ્લિમો હિંદુ લત્તા ઉપર મોટી સંખ્યામાં ધસી આવ્યા છે અને હિંદુઓ પણ બહાદુરીની ચિનગારી ઝબકાવી એમને રોકવા તૈયાર ઊભા છે.

રાક્ષસ બનેલાં માનવીઓનાં બે ટોળાં કેમ અટક્યાં ?

હિંદુ લત્તાના એક ખૂણામાં રહેતી દૂધ વેચનાર મુસ્લિમ બાઈની છ વર્ષની દીકરી નૂરબાઈને લેઈને એશી વરસના હિંદુ મેનામા રસ્તો કાપતાં હતાં. મેનામાને નૂરબાઈની ભાળવણી કરી તેની મુસ્લિમ માતા દીકરાને લેઈ પોતાના ભાઈને મળવા ઘરની ભાડે ફરતી ગાડીમાં મિલ બાજુના ઝુંપડામાં ગઈ હતી. હિંદુ-મુસ્લિમ રમખાણે આખી રાત અને દિવસ મા-દીકરીને છૂટાં પાડ્યાં. રાત્રે નૂરબાઈ સૂઈ રહી. સવારે ઊઠી તેણે મા વગર રડવા માંડ્યું. મેનામાએ તેને ખવરાવ્યું; બહુ સમજાવી, પરંતુ અંતે નાનકડી નૂરબાઈનું રુદન અસહ્ય થઈ પડ્યું.

મેના ડોશી આખા લત્તામાં જાણીતાં હતાં. તેમના દીકરા બહારગામ રસોઈના ધંધામાં રોકાતા અને એ વૃદ્ધ માતાને થોડા પૈસા મોકલતા. કામકાજ વખતે, સલાહ લેવા માટે, દુઃખસુખના પ્રસંગોમાં મેનામા સહુને ઘેર જતાં. પોતાની જરૂરિયાત નહિ જેવી એટલે તેમને કોઈની પરવા ન હતી. આખા લત્તામાં તેઓ ઉંમરે મોટા હોવાથી તેમનું માન પણ અમુક અંશે સચવાતું. માન ન સચવાયું લાગે ત્યાં તેઓ બૂમાબૂમ કરી, ધમકાવી, માનભંગ કરનારાંને જિંદગી સુધી સાલે એમ પાણીછલ્લાં કરવાની તાકાત ધરાવતાં શરીરે હજી સશક્ત હતાં એટલે કોઈની ચાકરી તે માગતાં ન હતાં. પાસે રહેતા ગાડીવાળાની દીકરી નૂરબાઈની તેમને ઘણી માયા થઈ ગઈ હતી. ગાડીવાળાની પત્ની એક ગાય ને એક ભેંસ રાખી દૂધ વેચવાનો વધારાનો ઉદ્યોગ કરી ઘરની આવકમાં ઉમેરો કરતી હતી - કોઈ પણ