પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪: છાયાનટ
 


મેનામાને ક્યાં ખબર હતી કે સુંદર કફની અને ઝીણું ધોતિયું પહેરી લાંબા વાળનાં ઝુલ્ફાંની મોહિની વેરતો, કલામય લચકથી ડગલાં ભરતો, ગુજરાતનો યુવાન કલાકાર હવે જરા સરખો આગ્રહ થતાં બંગડી પહેરી લેવાની તૈયારીમાં જ છે ! નૃત્યને જીવનની ક્ષણેક્ષણમાં ઉતારતો એ કલાવીર ઘૂઘરા અને કંગન સુધી તો પહોંચી જ ગયો છે !

‘અરે ડોશી ! પાછાં જાઓ, પાછાં !' સડક ઉપર ઝડપથી ચાલ્યા જતા એક યુવકે કહ્યું.

‘રસ્તો તારા બાપનો છે. ખરું ને ?’ મેનામાએ સહેલો સવાલ પૂછ્યો.

‘મરવાનાં છો, ડોશી ! મુસલમાનો આવે છે તે રહેંસી નાખશે. ઠીક કહું છું; ભાગો !’

‘અરે મુસલમાનો આવે કે મુસલમાનોના પીર આવે ! મને કોઈની બીક નથી.' મેનામાએ સાચી વાત કહી.

તેઓ નૂરબાઈનો હાથ ઝાલી આગળ વધ્યાં, અને એકાએક બાજુમાંથી પચાસેક માણસોનું એક ટોળું ‘મારો ! મારો !’ પોકારતું ધસી આવ્યું.

મેનામાએ નૂરબાઈને કેડે લેઈ લીધી.

‘જરા જોઈને તો ચાલો ! મૂર્ખાઓ ! આંખો છે કે ઘેર મૂકી આવ્યા ?’ મેનામાએ દોડી આવતા માણસોને કહ્યું.

‘આ ડોશી ક્યાંથી બહાર નીકળી છે ? મરવાની થઈ લાગે છે !’ ટોળું હિંદુઓનું હતું. બૈરાં, છોકરાં, બુઢ્ઢાં અને લડતાં ન હોય એવા માનવીઓએ યુદ્ધક્ષેત્રમાં પગ ન મૂકવો જોઈએ એવી આ વીર પુરુષોની માન્યતા હતી.

‘મારવા મરવાનું તમારા હાથમાં હશે, ખરું ને ?’ મેનામાએ સામનો કર્યો.

‘પેલી છોકરી જોઈ ? મુસલમાન છે !’ ટોળામાંથી કોઈએ કહ્યું.

‘મરિયમની દીકરી !’ બીજાએ ચોકસાઈ કરી. તેણે છોકરીને ઓળખી.

‘ડોશી, છોકરીને મૂકો. જમીન ઉપર, નહિ તો માર્યા જશો.'

‘ખરો મરદ તું ! તને મારવા માટે ડોસાં અને છોકરાં જ જડે છે, નહિ? હાથ ઉપાડી તો જો ! આ ડોશીએ તો કંઈ કાળ જોઈ નાખ્યા !’ મેનાએ જરા પણ ડર્યા વગર જવાબ આપ્યો.

અને સામે બાજુએથી ‘અલ્લાહો અકબર !’ ની બૂમ પડી. અલબત્ત, મહાન અલ્લા એ ટોળાથી બહુ બહુ દૂર હતો ! ખાટકી, પાનવાળા, જુગારી