પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૧૧
 

આપી.

‘આભાર, કાલ રાતના રખડીએ છીએ. હુલ્લડ કાબૂમાં આવતું જ નથી. કલેક્ટર સાહેબે આગેવાનોની સભા બોલાવી છે; આપને આમંત્રણ મળ્યું કે નહિ ?' અમલદારે પૂછ્યું.

‘આમંત્રણ તો છે. પણ નીકળાય કેમ ? મારું જ ઘર કાલે બાળી દેતા હતા !'

‘એમ ? પછી શી રીતે બચ્યું ?'

‘આ તમે જેને પકડ્યો છે એ વિદ્યાર્થીએ બચાવ્યું.' સંતાઈ ગયેલા નોકરોમાંથી હિંમત કરી બહાર આવેલા એક નોકરને ચાનો હુકમ આપી મિત્રા બહાર આવી, તેણે જ પ્રશ્નનો જવાબ આપ્યો. ગૌતમને છોડાવવાની એને બહુ જ આકાંક્ષા ઊપજી હતી.

‘કયો વિદ્યાર્થી ?’

‘બહાર પેલા સાર્જન્ટે પકડ્યો છે તે.' નિશાએ કહ્યું.

‘કેમ પકડ્યો છે ?'

‘તમારા પોલીસનોયે જુલમ ઓછો છે ?’ મિત્રાએ કહ્યું.

‘જો ને બહેન, પોલીસની મુશ્કેલીનો તમને ખ્યાલ નથી. બે દિવસથી અમે નથી ઘર જોયું....’

‘પણ આવો અન્યાય ? કોઈનો બચાવ કરવા જાય તેને ઊલટો માર મારવાનો ?’ મિત્રાએ કહ્યું.

‘એ બચાવ કરવાના ડહાપણમાં જ લોકો આડું વેતરે છે અને મુશ્કેલીઓ વધારે છે. અરે જમાદાર, સાર્જન્ટને અને પેલા છોકરાને બોલાવો તો ?' અમલદારે તેની જોડે આવેલા જમાદારને આજ્ઞા કરી અને બંને અંદર આવ્યા.

સાર્જન્ટે દેશી અમલદારને સુંદર ઢબે સલામ કરી. અમલદારે સાર્જન્ટને ખુરશી ઉપર બેસાડ્યો. મિત્રાએ ગૌતમની પાસે આવી એક ખુરશી મૂકી. સહુમાં ચા વહેંચાઈ. ચા પીતે પીતે અમલદારે બધી હકીકત પૂછી તેમાં ગૌતમના બેત્રણ ગુના બહાર આવ્યા. એક તો ગૌતમ તોફાની ટોળામાં હતો, બીજું એની પાસે છરી હતી, અને ત્રીજું એ કે એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો.

આ સર્વ કૃત્યો કયા હેતુથી કરવામાં આવ્યાં હતાં એનો નિકાલ ન્યાયાધીશ કરે. પોલીસ તો આ સર્વને પ્રથમદર્શનીય ગુનો માની ગૌતમને કૉર્ટમાં ઘસડવાની જ !