પૃષ્ઠ:Chhayanat.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪:છાયાનટ
 

રાવણે ગરદન દબાવી ગૂંગળાવી નાખ્યા છે. અને તું રામ બનવાનો ડોળ કરીશ તો જો...' રાવણના વીસે હાથની મૂઠીઓ વળી ગઈ, તેનાં વીસે નેત્રોથી અગ્નિ વરસવા લાગ્યો, તેના મુખ ઉપર ક્રૂર મોત આવીને ઊભું રહેલું દેખાયું ! ગૌતમનું હૃદય ધડકી ઊઠ્યું, તેનાથી બોલાઈ ગયું :

‘પણ... મહારાજા રાવણ ! મારે અને રામને કાંઈ જ લેવાદેવા નથી...'

'ત્યારે તને મારા પક્ષમાં ગણી લઉ ?’

‘પક્ષ ? મને ખબર નથી.'

‘તું વર્તમાન હિંદમાં વસે છે કે માનવપૂર્વ યુગમાં ?

‘કેમ એમ ?'

‘તારા હિંદના તેત્રીસ કરોડ માનવીઓ મારા પક્ષમાં છે.”

'તેત્રીસ નહિ, પાંત્રીસ કરોડ : વસ્તીગણતરી પ્રમાણે...’

‘ધારી લે કે બે કરોડ રામને મત આપે, પણ બાકીના તો મારા જ પક્ષના છે ને ?’

'તેથી શું ?'

'મારી વધુમતી ! ને વધુમતીને ન સ્વીકારે એવો અભાગિયો પ્રદેશ કયો ?'

‘એ હું કબૂલ રાખું છું, પરંતુ વધુમતી લઘુમતીમાં ફેરવાઈ પણ જાય.’

‘આર્યાવર્તમાં ? ઓ મૂર્ખ ! જોતો નથી આર્યાવર્ત કપાતું ચાલ્યું આવે છે ?'

‘તમે શાસ્ત્રજ્ઞ છો, વિદ્વાન છો, ધનવાન છો, સત્તાવાન છો, કલાકાર...'

'બસ કર. હું એ બધું જ છું. માટે જ તમારા આર્યાવર્તના ટુકડેટુકડા કરીશ. અને યાદ રાખ ! મારું શાસ્ત્ર, મારી વિદ્વત્તા,મારું ધન, મારી સત્તા અને મારી કલા એ સર્વનો ઉપયોગ આર્યાવર્ત ઊભું થયું ત્યારથી એને તોડવા માટે જ કરું છું.’

'પણ એનું કાંઈ કારણ ?’

વાતાવરણમાં વીજળી ચમકી અને પડી. એ વીજળીના પ્રકાશ સાથે જ રાવણની આંખોના તેજ ભૂમિમાં પેસી ગયાં. એ આંખની સાથે રાવણની ક્રૂર મૂર્તિ પણ જમીનમાં પ્રવેશી ગઈ.

ગૌતમ ઊભો થઈ ગયો ! ભયાનક કડાકો થયો અને તે એટલો