પૃષ્ઠ:Chhayanat.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૧૩
 

મૂર્ખ, ઝનૂની, ધર્માન્ધ અગર ગુંડાગીરી કરનારની હારમાં તે બેસી જતો હતો. તેનો ઉદ્દેશ આવો હતો જ નહિ. છતાં તે જ્યાં જ્યાં પગલું મૂકતો હતો ત્યાં ત્યાં તેના પગ ભરાઈ જતા હતા.

પગ પાછા મૂકવા ? કે આ માર્ગે જ આગળ વધવું ?

પણ માર્ગ ક્યાં રહ્યો ? એક પાસ કેદખાનું, અને બીજી પાસ ભૂલનો સ્વીકાર કરી સમાજની ચાલુ રચનાને નાકલીટી તાણવી !

ચાલુ રચના એટલે ? એક એની નિરુપયોગી કૉલેજ ! કૉલેજમાં ભણેલો કયો પુરુષ કે સ્ત્રી પરતંત્રતાની સામે થયાં ? ટિળક કે ગાંધીના નામ કોઈ લે ! એ નામ સાચાં હોય તોય. લાખો કૉલેજિયનોમાંથી માત્ર બેપાંચ જ્ નામ લેવા જેવાં !

એના કરતાં કૉલેજમાં ન ભણેલા નાનાસાહેબ કે તાત્યા ટોપે વધારે સાચા નહિ ?

અતિ ભણતર, બુદ્ધિપૂર્વક ભણતર, પરદેશીઓને આશ્રયે અને પરદેશી સંસ્કૃતિની છાયામાં ઊભી થયેલી પાઠશાળાઓમાંનાં ભણતર પોણી સદીથી આપણાં જીવન સાથે જોડાયાં છે !

એ ભણતરે આપ્યું શું ?

કાયરો ! ગુલામ કારકુનો ! તુમાખીભર્યાં અમલદારો ! સ્વાથમૂર્તિ વકીલો ! ખર્ચાળ ડૉક્ટરો ! બકવાદપ્રવીણ નેતાઓ ! રોતા કવિઓ ! વાત્સયાયનને પણ બેચાર નવી વાત શીખવે એવા કામી નવલકથાકારો ! અગર અંદર અંદર બાથે પડતાં વિદ્વાનો ! દેશની ગરીબી એમણે કેટલી ઓછી કરી ?

આ કૉલેજ !

એના ચાલાક પ્રિન્સિપાલને પગે પડી એમાં પાછા દાખલ થવું !

બીજી રચના એટલે એક અજાણ્યા ધનિકના ઘરનો આશ્રય !

કારણ ?

કૉલેજની પરદેશી ક્રિકેટ મૅચ ! મુસ્લિમ રમનારનો દાવ જાય અને જેને કશુંય લાગેવળગે નહિ એવા મુસ્લિમ ધર્મઝનૂને ચઢે ! એક હિંદુના અર્થહીન ઉત્સાહમાં એ મુસ્લિમ એને છરો ખોસે ! અને એટલા જ કારણે હિંદુઓ અને મુસલમાનો આખા શહેરમાં સામસામે આવી નિર્દોષને કાપી નાખે ! એમાંથી નિર્દોષને બચાવવાના સાચા પ્રયત્નમાં ગુનો થાય !

સત્તાનો ધર્મ રક્ષણ આપવાનો ! એ રક્ષણ તેનાથી થાય નહિ, અને બીજો કોઈ એ કાર્ય આકસ્મિક રીતે પણ માથે લે, તો એ હુલ્લડખોર મનાય!