પૃષ્ઠ:Chhayanat.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૧૫
 


‘હું તે જ કહું છું. પરંતુ હિંદમાં તો એ પ્રયાસ પણ થઈ શકતો નથી.’

‘મારું કહ્યું માનીશ ?’

‘શું?'

‘તારા પ્રયાસ માટે હું અનુકૂળ માર્ગ બતાવું ?’

‘બતાવો.'

‘કોઈ ધનિક કન્યા સાથે તું પરણી જા.' હસીને મિત્રા બોલી.

'પછી?'

‘પછી તું તારી મેળે હિંદસ્વાતંત્ર્ય અર્થે ફાવે તેટલા પૈસા વાપર્યા કરજે.'

‘હું નિર્ધન છું. મને કોઈ ધનિક કન્યા પરણે જ નહિ.’

‘તારી ભૂલ થાય છે.’

‘જરાય નહિ, એવા પ્રસંગો માત્ર વિલાયતની વાર્તાઓમાં જ બને છે.'

મિત્રાએ ધારીને ગૌતમ તરફ જોયું. તે કશું પૂછવા જતી હતી અને અટકી ગઈ. કેટલીક વારે તેણે કહ્યું :

‘કોઈ ભણેલી ગ્રેજ્યુએટ છોકરી સાથે લગ્ન કર.’

‘એથી શું થાય ?’

‘તારું પોષણ થાય અને તું દેશકાર્યમાં બધો વખત ગાળી શકે.'

‘સ્ત્રીની મહેનત ઉપર હું જીવું ?’

‘એમાં તને શરમ લાગતી હશે, ખરું કે ? સ્ત્રીઓ પુરુષોની મહેનત ઉપર જીવે એનું કાંઈ નહિ, ખરું ને ?'

‘બંનેના આર્થિક સ્વાતંત્ર્યમાં હું માનું છું. પણ તમે કહો છો એમ બનવું અશક્ય છે.'

'શાથી?'

‘હું ગ્રેજ્યુએટ થવાનો નથી; ડિગ્રી લીધા વગર એ છાપ મળે નહિ. અને ગ્રેજ્યુએટ ન થનારને કોઈ ગ્રેજયુએટ યુવતી પરણે એ હું માનતો નથી.’

‘નિશા સાથે તું લગ્ન નહિ કરી શકે ?’ સહજ આડી આંખે ગૌતમ તરફ જોઈ મિત્રાએ પૂછ્યું.

‘નિશા સાથે ? ના. અમે એકબીજાને ક્યારનાં સમજી ગયાં છીએ.'

‘શું સમજ્યાં છો ?’

‘મારામાં સ્ત્રીસ્નેહ નથી. સ્નેહ હોય તોય નવું બંધન ઊભું કરવા હું માગતો નથી. પરાધીન પ્રજાએ પરણવું એના જેવું ભારે પાપ બીજું નથી.’