પૃષ્ઠ:Chhayanat.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: છાયાનટ
 


મિત્રા થોડી વાર સુધી બોલી નહિ. બહાર પોલીસની સીટી વાગતી સંભળાતી હતી. બારીએ જઈ તેણે બહાર નજર પણ નાખી.

મિત્રાનો દેહ ઘાટીલો હતો. કૉલેજમાં જાણીતી થયેલી મિત્રાની અતડાશ એના ઘરમાં ગૌતમને દેખાઈ નહિ. મિત્રાની ચાલમાં પણ મનોહર લટક હતી. પરાધીન દેશમાં પ્રભુ સૌન્દર્ય શા માટે ઉપજાવતો હશે? - પ્રભુ હોય તો ! સૌન્દર્યને અને સ્વાતંત્ર્યને સંબંધ ખરો કે નહિ ?

બગીચાનું ફૂલ સુંદર ખરું, પરંતુ અસ્પૃશ્ય ધવલગિરિનાં ધવલ શિખરોનું સૌન્દર્ય વધારે મોહક નહિ ? સ્વાતંત્ર્યભર્યું સૌન્દર્ય અગ્નિ ભર્યા સૂર્યનેય શીળો બનાવે. પરાધીન સૌન્દર્ય પ્રભાતકિરણમાંયે કરમાઈ જાય ! સાઠ વર્ષ સુધી સૌન્દર્યોપાસના કરનારી પશ્ચિમની સુંદરીઓ ક્યાં, અને પચીસ વર્ષે આથમવા માંડતી હિંદી સ્ત્રીઓ ક્યાં ! નાનકડા દેહ, નાનકડાં સૌન્દર્ય, નાનકડી વય અને નાનકડી વયમાં જ સૌન્દર્યાસ્ત ! હિંદની મોજ પણ નાનકડી ! પ્રજનનશાસ્ત્ર પણ હિંદવાસીઓને પરણવાની મના કરે છે ! હિંદના ચાલીસે કરોડ માનવીઓનું કામસુખ બ્રિટનવાસી ચાર કરોડના કામસુખ કરતાં ઓછું, હલકું અને ઊતરતું જ હોય !

અને હિંદવાસીઓ માને છે કે તેઓ મહા નીતિમાન છે ! પરાધીન પ્રજાને નીતિ હોય ખરી ? નીતિ હોય તો પ્રજા પરાધીન થાય ખરી ?

‘ગૌતમ ! કૉલેજમાં હું કદી તારી સાથે બોલી નથી.’ એકાએક પાછી ફરી મિત્રાએ કહ્યું.

'હું જાણું છું.'

'અને તું પણ કદી મારી સાથે બોલ્યો નથી.'

‘હું તારા મંડળમાં પણ જોડાઈ નહિ, નિશાએ આગ્રહ કર્યો છતાં.’

'હા.'

'કારણ શું તે તું જાણે છે ?'

‘ના. તમને મારી યોજના અનુકૂળ નહિ લાગી હોય.’

‘સાચી વાત કહું ?’

‘હાસ્તો.'

‘હું ઈચ્છતી હતી કે તું આવીને મને કહે.’

‘કહેરાવ્યું કેમ નહિ ?’

‘મનેયે અભિમાન હોય ને ?’

‘પણ મારી યોજના ગમી હોય તો એવો આગ્રહ કેમ રાખ્યો ?’