પૃષ્ઠ:Chhayanat.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૧૧૯
 


‘આવી.' કહી મિત્રા ઊભી થઈ. તેને માતાપિતાનો ભારે ભય હોય એમ લાગ્યું નહિ.

‘મારે શું કરવું ?’ ગૌતમે પૂછ્યું.

‘હું આવીને કહું છું. બીવાની જરૂર નથી.’

‘બીવાનો પ્રશ્ન જુદો છે. પણ મારું સ્થાન હવે અહીં નથી.’

‘તારું સ્થાન અહીં જ છે.'

'ઠીક, તમે જઈ આવો.'

મિત્રાએ જરા ગૌતમની સામે જોયું. તેના મુખ ઉપર આછી ચિંતા દેખાઈ.

‘મને બહુ વાર નહિ લાગે.'

‘શું કહેશો ?’

‘જે બન્યું તે.'

‘મિત્રા !’ બહારથી પિતાનો ક્રોધભર્યો અવાજ સંભળાયો.

‘જરાય બીઈશ નહિ.’ કહી મિત્રા ગૌતમ સામે હસતી હસતી ઓરડીની બહાર ચાલી ગઈ.

સંધ્યા વધારે કાળી પડી ગઈ. વાદળ ખૂબ ઘેરાતું હતું. ગૌતમે બારી બહાર નજર કરી.

આછા અજવાળામાં તેને સમજાયું કે એ બારી ઓળંગી જતાં બંગલાના બગીચામાં જવાતું હતું.

બગીચામાં ગયા પછી બહાર નીકળવું સહેલ હતું.

ગૌતમ એકાએક બારીમાંથી નીચે ઊતરી પડ્યો.