પૃષ્ઠ:Chhayanat.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨: છાયાનટ
 


ભરવરસાદમાં નાનકડી ગલીમાં પસાર થતા ગૌતમે સામેથી કોઈ માણસ આવતું નિહાળ્યું. ગૌતમ સાવધ થયો. મારામારીમાં કદી પણ ડરવું નહિ એવી તેણે માન્યતા ખીલવી હતી. સામે થવામાં ઓછામાં ઓછું નુકસાન છે એવી તેને પ્રત્યેક ઝઘડામાં ખાતરી થઈ ગઈ હતી.

સ્વર્ગ શોધતા માનવીને માનવસ્વરૂપે દોજખ આવતું દેખાયું.

સામો આવનાર માનવી સ્થિર ન હતો, તે લથડિયાં ખાતો હતો !

માંદો હશે ? વરસાદે અને અંધારાએ તેને ગૂંચવી નાખ્યો હશે ?

સહાય કરવાની સ્કાઉટવૃત્તિ ગૌતમમાં જાગી, સાથે સાથે તેને યાદ આવ્યું કે સ્કાઉટિંગનો સ્થાપક બેડન પોવેલ તો બ્રિટિશ સત્તાની જાસૂસીમાં ઘડાયલો હથિયારપ્રેમી સૈનિક હતો ! હિંદના સ્કાઉટને વફાદારી માટે રાજા ભલે હોય ! એ રાજા ભલે ગોરો હોય ! પણ એને માટે રાષ્ટ્ર કયું? હિંદના સ્કાઉટની વફાદારી અર્થે કર્યું રાષ્ટ્ર બેડન પોવેલના બિરાદરોએ રહેવા દીધેલું છે ?

અને હિંદની દુર્દશા કરનાર ઈશ્વર પ્રીત્યર્થ પ્રતિજ્ઞા લેવાની - જો ઈશ્વર હોય તો !

‘ક્યાં જવું છે ?’ ગૌતમે ગૂંચવાતા માનવીને પૂછ્યું.

‘ઘેર.'

‘ક્યાં આવ્યું ?’

‘આ.... આ રહ્યું. આ જ ઘર... ખરું ને !’ લથડતા પગ સરખી તેની જીભ પણ લથડતી હતી.

શું એ માણસે દારૂ પીધો હશે ?

‘પીધેલો... નહિ... જા, જા... મેં દારૂ પીધો... થાય.... તે... કરી... હા... હા... હા....’ વરસતા વરસાદની ભયંકરતાને ભુલાવે એવી આ માનવભયંકરતા ગૌતમે નિહાળી.

એ માણસ હસતો હસતો પાણીમાં પડ્યો. ગૌતમે તેની પાસે જઈ તેને ઊભો કરવા ખૂબ મંથન કર્યું. પરંતુ એને પાણી અને કાદવમાં સ્વર્ગ મળી ગયું હતું !

‘આજે...બરાબર...બાળી મેલું...જો તો ખરો... વચ્ચે આવે છે ?... જા... મરી ગયો... સાહેબ તારા ઘરનો...’

શક્તિ રહિત બની પાણીમાં પડેલા આ વ્યસની માનવીને ત્યાંથી ઊઠવું જ ન હતું. આસપાસનાં મકાનો બંધ હતાં. અલબત્ત, એ મકાનોને મકાનો કહેવાય એમ હતું જ નહિ. નાનાં પીંઢરિયાં છાપરાંમાં રહેતી જનતા