પૃષ્ઠ:Chhayanat.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૨૫
 


એ રોટલા ઉપર ઘીનો છાંટો ન હતો ! રોટલાને સ્વાદિષ્ટ બનાવનાર શાક કે દૂધનો સંગાથ ન હતો ! પછી ગળી વસ્તુ તો હોય જ શાની? તેમાંયે મૂકવા માટે આવું માટીનું વાસણ ! અને તે પણ વર્ષોથી કદાચ વપરાતું હોય ! હૉસ્ટેલમાં રહેતા ગરીબમાં ગરીબ વિદ્યાર્થીંથી આ ગરીબી લાખો ગાઉ દૂર હતી.

‘તમને ન ભાવે.' સ્ત્રીએ કહ્યું.

‘ના ના, ભાવવાનો સવાલ જ નથી. લાવો હું બટકું ખાઈશ.’ કહી ગૌતમે બંટીનો રોટલો ભાંગ્યો.

મીઠું અને મરચું લગાડ્યા છતાં એ ટુકડો કેમેય કર્યો એના મુખમાં ગયો નહિ. વરસાદ, ઓરડી, અંધકાર અને અજાણ્યું સ્થળ, દારૂડિયો બેકાર અને તેની યુવાન પત્ની : આ સઘળું વાતાવરણ ગૌતમને ગૂંગળાવે એવું હતું. તેમાંયે ભયંકર ગરીબી સામે આવતાં ગૌતમને લાગ્યું કે તેનું હૃદય બેસી જશે.

‘ન ખાશો, નહિ ભાવે. હું જાણતી જ હતી. લો આ પાણી.' એક ફૂલડીમાં પાણી લાવી મજૂર સ્ત્રીએ ગૌતમ પાસે મૂકી દીધું.

સ્વચ્છતા, સ્વચ્છતાના નિયમો, આરોગ્યરક્ષણ, જંતુવિનાશ એ વિષે ગૌતમે ઠીક ઠીક વાંચ્યું અને જોયું હતું. નવી દુનિયામાં રચાવાનાં મકાનો અને પાણીનાં સાધનો તેણે વિચારી મૂક્યાં હતાં. પરંતુ આ ઝુંપડીમાં ગાળેલા અડધા કલાકમાં એને સાર્વજનિક આરોગ્યનું મહત્ત્વ કદી ન સમજાત એવું સમજાઈ ગયું.

જંતુઓ ! માનવજાતના મોટા ભાગને જંતુ બનાવનાર અને જંતુ તરીકે જ રહેવા દેનાર સફાઈદાર સ્વચ્છ દુનિયા ઉપર એ માનવજંતુઓ કેટકેટલી રીતે વેર લેતા હશે ! નોકરને સ્વરૂપે એ માનવજંતુ સર્વવ્યાપી બને છે, અને સફાઈદાર સમાજને એ સંસ્થા વગર તો ચાલતું જ નથી; મજૂર તરીકે એ જ રોગની ખાણ સ્થળે સ્થળે ખોદાય છે; દારૂનાં પીઠામાં ઉચ્ચનીચ ભેગા થાય છે; સિનેમા, નાટકગૃહ અને હોટેલોમાં સારી રીતે જંતુઓની આપલે થાય છે; અને એ વર્ગ મોટામાં મોટો ! એના વડે જ સફાઈદાર વર્ગની સફાઈ સચવાય ! માળી, ધોબી...

‘રાતમાં બીજે કશે જવું નથી ને ?’ સ્ત્રીએ પૂછ્યું.

‘હું એ જ વિચારું છું.’

'તે અહીં જ પડી રહો. સવારે વરસાદ પણ નમશે અને મારગ મળી જશે.'