પૃષ્ઠ:Chhayanat.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬: છાયાનટ
 

'તમને કશી અડચણ...' ગૌતમ પોતાની ટેવ પ્રમાણે વિવેક કરવા ગયો.

‘અડચણ તમને પડે ! અમને શું ! અમે તો આમાં ઊછર્યા અને આમાં જ મરવાનાં. લો આ સાલ્લો ! તમારાં ભીનાં કપડાં કહાડો અને પછી સૂઈ રહો.' કહી એ સ્ત્રીએ પોતાના દેહ ઉપર પહેરેલો અર્ધ ચીથરિયો સાલ્લો કહાડી ગૌતમને આપ્યો. ચણિયો અને ચોળી પહેરેલી એ મજૂરસ્ત્રી એકલી હોય તો આટલો પોશાક પણ ન રાખે. એને પણ થીંગડા મારેલાં હતાં એટલું જ નહિ, એ થીંગડા પણ સ્થળે સ્થળે ફાટી જઈ મજૂરણના વિધવિધ અંગટુકડાને અનાચ્છાદિત રાખતાં હતાં !

સાદડીનો એકાદ અધભીનો ટુકડો લાવી તેણે ગૌતમને આપ્યો.

બહાર વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો. ઝૂંપડીના મોટા ભાગમાં પાણી ગળતું હતું. ગૌતમને પાણી ન ટપકતું હોય એવો એક ખૂણો બતાવી મજૂરસ્ત્રી સહજ સંકોચ સાથે એક બાજુએ આડી પડી.

ગૌતમે પણ આડા પડવાનો પ્રયત્ન કર્યો. એનાં કપડાંની ભીનાશ હજી જેવી ને તેવી જ હતી. જમીનનો ભેજ સાદડીને ચીરીને પણ ગૌતમના દેહમાં પ્રવેશતો હતો. ભીંતે અઢેલવા જતાં તેને લાગ્યું કે મંકોડાની એક હાર તેની પીઠ પાછળ બંધાઈ ગઈ છે ! ભીંતેથી ખસી તે જમીન ઉપર પડ્યો.

ફ્રેન્ચ રેવોલ્યુશનમાં[૧] ગરીબોનાં ટોળાં કેમ ખૂને ચઢ્યાં હતાં તે ગૌતમને દીવા જેટલું સ્પષ્ટ થયું. આવી સ્થિતિમાં રહેતાં માનવીઓ ખૂની, વ્યસની, રખડેલ અને ગુનેગાર ન બને તો બીજું શું થાય ?

‘થોડા પૈસા છે - ખિસ્સામાં નહિ ? મેં ખખડતા સાંભળ્યા.’ સૂતે સૂતે મજૂરણે પૂછ્યું.

'હા.'

'સાચવી રાખું ?’

‘ના; છો રહ્યા મારી પાસે.’

‘આવામાં પૈસા લેઈ ફરો છો તે કોઈ છરી મૂકશે ત્યારે ?’

'આટલા પૈસા માટે ?’

‘અરે, એક પૈસા માટે અહીં તો માનવીને માનવી મારી નાખે !’

ગૌતમ બેઠો થયો.

‘તારી શી મરજી છે ? મને મારી નાખવો છે શું ?’


  1. * ફ્રાન્સનો વિપ્લવ.