પૃષ્ઠ:Chhayanat.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦: છાયાનટ
 

શરબત કે શરાબના શીશા આવ્યે જાય છે, નર્તકીઓ આવ્યે જાય છે અને દૂર દૂર અર્ધ ભાનવાળા કોઈ રાજવી લોલુપ દૃષ્ટિથી આ સર્વ દૃશ્ય નિહાળી રહ્યા છે.

કૃષ્ણ હશે ? કે અંગ્રેજોથી રક્ષાતો કૃષ્ણ વંશીય કો ક્ષત્રિયરાજવી ? એનો દિવસ પણ રાત્રે ઊગે છે ! સોળ હજાર એક સો અને આઠ સ્ત્રીઓમાં તો એ વીંટળાયેલો દેખાય છે. કૃષ્ણની આ કાલ્પનિક કીર્તિ હજી આજ પણ રાજરજવાડા કે ઠાકોર-ઠકરાતનાં અંતઃપુરોમાં જળવાઇ રહી છે ! શાબાશ ! ગૌતમની જુનવાણી ભાવના બોલી.

આ હિંદની પૂર્વકાલીન સ્મૃતિ ! પરંતુ કૃષ્ણ તો મહાયોગી ! ચાણક્યગુરુ ? ચક્રધારી !

કૃષ્ણનો યોગ ગીતાના શુષ્ક નિત્ય પાઠમાં વહી ગયો.

કૃષ્ણની વિષ્ટિ કૌરવો આજ સુધી સ્વીકારતા નથી - કૌરવો હજી જીવતા જાગતા છે.

અને કૃષ્ણનું ચક્ર ? એ તો અહિંસક બની ગયું ! એને ઉપાડનાર કોઈ હિંદમાં રહ્યું જ નહિ.

રહી માત્ર કૃષ્ણની ગોપીઓ અને કૃષ્ણના રાસ ! દૃશ્ય એકાએક શરદપૂર્ણિમાની રાત્રીએ ગોઠવાતા કોઈ રાસમાં બદલાઈ ગયું.

એ રાસમાં કૃષ્ણકનૈયા બનતા કંઈક કૉલેજના મિત્રો ગૌતમે ભાળ્યા ! ગોરસનાં અભિનય કરતી કંઈક રસિક યુવતીઓ તેણે ભાળી ! નિશા પણ હતી; મિત્રા પણ હતી ! આ કૃષ્ણનો રાસ ? કે વર્તમાન યુગનો રાસ ? ઠાકોર ઠકરાતના બગીચા ઊડી દૃશ્ય નાટ્યગૃહમાં આવ્યું શું ? કે કૉલેજ આ રાસ ભજવે છે ?

કૃષ્ણરાસની છાયા હજી વીસમી સદીમાં ભૂંસાઈ નથી. નવી નવી, ઊંડી રેખાઓ એ છાયામાં આલેખી રાસને સજીવન કરતા કંઈક છાયાનટ આપણા નવીન જીવનમાં ઊપસી આવે છે : મહેલોમાં, ઘરોમાં, મંદિરોમાં, બગીચાઓમાં અને નાટ્યગૃહોમાં ! આપણું જીવન પણ એક નટજીવન જ બની ગયું છે શું ? કાગળના મહેલો, ખોટા કસબનાં વસ્ત્રો, જૂઠાં હૃદય - પણ દેખાવ આબેહૂબ નર્તકનો !

નૃત્ય અને વિલાસમાં આપણા યુવક નટવરો શ્રીકૃષ્ણને પણ શિક્ષણ આપે એવા નિષ્ણાત છે, નહિ ?