પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬: છાયાનટ
 

અસ્વસ્થતા અકારણ લાગી.

બારી બંધ કરતે કરતે ગૌતમ હસ્યો. ગૌતમનાં હાસ્યને ઠારી દે એવું પ્રતિહાસ્ય આકાશે આપ્યું. કાળાંભમ્મર વાદળાંના ઘટ્ટ થરથી ભરેલા વિસ્તીર્ણ મેઘાડંબરને ચીરતી વીજળીની એક આકાશવ્યાપી રેષા હસતી નાચતી જગતને ઝંખવી જોતજોતામાં અદૃશ્ય થઈ. પાછળ રુદ્રનાં ડાકડમારું વાગી રહ્યાં.

માનવી અને કુદરત વચ્ચે યુદ્ધ થાય તો ?

Exploitation of Nature ! પ્રકૃતિનું શોષણ ! એ શોષણની આવડત એટલે જ સંસ્કૃતિ !

સંસ્કૃતિ કલંક એક જ : માનવી માનવીનું શોષણ કરે છે એ !

પણ માનવીયે કુદરતનો જ વિભાગ ને ? કુદરતનું શોષણ માનવી કરે અને માનવીનું શોષણ માનવી કરે એમાં ફેર ખરો ?

કુદરત અને માનવી સામસામાં આવી જાય છે ! માનવી માનવીની સામે આવે ત્યારે ?

ગાંધીની અહિંસા ! અને સામ્યવાદની હિંસા ! પરિવર્તન અને પરાજય !

પરિવર્તન ન થાય તો ? વર્ગને વળગી રહેલા જિદી માનવીને લુપ્ત કર્યા વગર બીજો ઈલાજ શો ? વર્ગનાં પડ અને પડળ ચડાવી બેઠેલા માનવસમૂહો, રાજ્યો કે સામ્રાજ્યો ઉથલાવી પાડવાં જોઈએ !

બારી બંધ કરી ગૌતમ સૂતો. બારીની તડમાંથી વીજળીના ઝબકાર, પવનનો સૂસવાટ અને વરસાદનાં બિંદુ ઓરડીમાં આવ્યાં કરતાં હતાં.

સ્વપ્નનો અને કુદરતનાં તોફાનનો ભય અનુભવી તે સમજપૂર્વક ભયથી પર બની ગયો. ભયરહિત માનવીને નિદ્રા આવ્યા વગર રહે જ નહિ. બહારના તોફાનને રમતું મૂકી ગૌતમ નિદ્રામાં ઊતરી ગયો.