પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૩૩
 

કલામય પગલાં પાછાં વાળ્યાં.

હિંદુઓ તે શું ગાતા'તા ? એક મુસ્લિમે કહ્યું. ‘હિંદુઓ ? અંહ ! ગાવું, નાચવું, બજાવવું એ તો આપણું કામ ! મસ્ત આદમીઓનું ! ગવૈયાઓ જુઓ, બજવૈયાઓ જુઓ ! ખાંસાહેબ. અલાદિયાખાન, ખાંસાહેબ અબદુલકરીમખાં, ખાંસાહેબ ફૈયાઝખાન...

‘અરે દેખો તો સહી ? વાજીદઅલી શાહ આવે છે !’

‘બસ ! હવે જુઓ રંગ !’

'અને નાચ !’

‘વાહ ! પાછો મોગલાઈનો ચિરાગ ચમક્યો.'

મુગલાઈ વરણાગીઓ પોશાક પહેરી ઝાંઝર સાથે નૃત્ય કરતા એક મુસ્લિમ યુવકની છાયા વાતાવરણમાં ફેલાઈ ગઈ. કથ્થક નૃત્ય અને કથકલી નૃત્ય વિષે એક કલાપ્રિય યુવાનનું કૉલેજમાં થયેલું દૃષ્ટાંતવ્યાખ્યાન તોફાન કરી ભાંગી નાખનાર ગૌતમને એમ મન થયું કે એક પથ્થર મારી એ યુવકને નાચતો અટકાવી દેવો. જમીન ઉપરથી પથ્થર ગૌતમે લીધો.

‘એ શું કરે છે ? આ દિવ્ય નૃત્ય તારે અટકાવવું છે ?’ એક માણસે તેને અટકાવી કહ્યું.

‘દિવ્ય નૃત્ય ? પગમાં જંજીર છે અને એને નાચવું છે ! પાવૈયો !’ ગૌતમ અશિષ્ટ બની બૂમ પાડી ઊઠ્યો.

એકાએક ઘાઘરા-લૂગડાં ઘુમાવતું તાબોટા પાડતું પાવૈયાનું ટોળું નીકળી આવ્યું. શક્તિમાર્ગનું ઠઠ્ઠાચિત્ર ! જોડે ખોખરે ઘાંટે લટકાથી ટોળું બોલી ઊઠ્યું :

આદો ભવાની મા !
ભવાની મા ગરબો રમવા આવો જો !
હું કેમ આવું રે સહિયર એકલી !

‘શું ? એમાં પણ હિંદુઓએ આગળ થવું છે ? થવા દઈએ ? જુઓ, અમે શેર છીએ.' એક મુસ્લિમે ખંભ ઠોકી જાહેર કર્યું.

અને હિંદુ પાવૈયાઓની સામે સૂરવાળ, પહેરણ, જાકીટ અને રંગીન ઓઢણી ઓઢેલું મુસ્લિમ પુંકાલીઓનું ટોળું કમર હલાવતું પ્રગટ થયું અને ‘અમે ઢોલક બજાવીએ ! નહિ ?’ એમ હર્ષથી પૂછવા લાગ્યું.

હિંદુ-મુસ્લિમ ઐકય આ દૃશ્યમાં સાચેસાચું ઊઘડી આવ્યું ! આ હિંદ ? આ ગુજરાત ? ગૌતમે દાંત કચકચાવ્યા અને હાથમાં રાખેલો પથ્થર એણે પૂર્ણ બળથી એ ટોળા ઉપર ફેંક્યો.