પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬


પ્રભાતની સુરખી વાદળાં નીચે ઢંકાતી હતી, છતાં સમયનું આછું ભાન કરાવતી હતી. ગૌતમનું મન હજી ગોટાળામાં જ પડ્યું હતું. મજૂરની ઓરડીમાં તેને આવેલું સ્વપ્ન હજી છોડતું ન હતું. કૃષ્ણથી શરૂ થયેલી રાસલીલા ગુજરાતના હિંદુમુસ્લિમ નામર્દોની એકતા સુધીની રમત રમી ગઈ !

પણ એને સ્વપ્ન શી રીતે કહેવાય ? સાચ એને નિદ્રામાં આવીને જુદે જુદે સ્વરૂપે ઢંઢોળી જતું હતું. હિંદના લોહીમાં જ એણે નિહાળેલા છાયાનટ રમ્યા કરતા હોય તો ? કૉંગ્રેસની ઓથે આગળ આવી કૉંગ્રેસને પાછલે પગે લાત મારી પ્રધાનો, અધિકારીઓ અને ગવર્નરો બનેલા હિંદીઓ આજ પણ હિંદમાં ક્યાં ફરતા નથી ?

વાદળમાં ગર્જના થઈ અને વીજળી ચમકી.

ગૌતમ પણ ચમકી ઊઠ્યો.

એ પોતે - જાતે હિંદની પરતંત્રતા વધારતો બની જાય તો ? ગૌતમનો દેહ થરથરી ઊઠ્યો. ટાઢથી કે વિચારથી ?

એકાએક તેણે ચેતન અનુભવ્યું. વિલાસીઓ, દેશદ્રોહીઓ, કૃતઘ્નીઓની છાયા એની સન્યુખ હાલ્યા કરતી હતી. પણ એમાંની એક પણ છાયા - એક પણ ભૂત હજી ગૌતમના દેહમાં પ્રવેશી શક્યું નથી ! ગૌતમની તાવણી થતી હતી છતાં ગૌતમ એક પણ સત્તાને તાબે હજી સુધી થયો ન હતો ! પોલીસ, પ્રિન્સિપાલ, કલેક્ટર, ગુંડા, હુલ્લડખોર : એ સર્વની સામે એ નિર્ભયપણે ઊભો રહી શક્યો. એ જ માર્ગ એને માટે સાચો છે.

એથી એણે શું ગુમાવ્યું ?

ભણતર ! એટલે સાંસ્કૃતિક ગુલામી.

નોકરી ! એટલે આર્થિક ગુલામી.

પ્રતિષ્ઠા ! એટલે નૈતિક ગુલામી.

અને એણે મેળવ્યું શું ?

નિર્ભયતા ! સરકાર, પોલીસ કે ગુંડાનો તેને ડર રહ્યો નહિ, ટોળાં તેને ડરાવી શક્યાં નહિ.

સ્વમાન ! પ્રિન્સિપાલ, કલેક્ટર, કીસન કે ધનિક ભગવાનદાસ,