પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬: છાયાનટ
 

કોઈને પગે એ પડ્યો નહિ.

આત્મભાન ! નિરર્થક જીવવા અને મરવા માટે એ જન્મ્યો ન હતો; સ્વાતંત્ર્યરચનામાં એકબે ઈંટ એ ગોઠવી શકે એમ હતું.

તાકાત ! બાહુબળ વાપરવું એને સરળ થઈ પડ્યું; વાગવાનો ભય રહ્યો જ ન હતો.

ઘા કરતાં ઘાનો ભય વધારે ભયંકર લાગતો હતો; ઘા તો સદાય સહ્ય જ હોય છે.

ઉપરાંત?

સ્ત્રીસૌન્દર્ય એને ચળાવી શક્યું નહિ - જોકે સ્ત્રીસૌન્દર્ય અણગમતું છે એમ તો તેનાથી કહી શકાય એમ હતું જ નહિ. એના પુરુષનયને સ્ત્રી દર્શનીય જ લાગતી હતી. પછી તે છબીલી મિત્રા હોય કે ઝૂંપડીમાં રહેતી અર્ધ આચ્છાદિત મજૂરણ હોય ! ગમતા સૌન્દર્યને પગે પડવાની, સૌન્દર્યપ્રવાહમાં વહી જવાની અશક્તિનો તલપૂર પણ પ્રવેશ તેના હૃદયમાં થયો ન હતો. પરંતુ... કેટલી પ્રબળ શક્તિએ સૌન્દર્યમાં !

અને સાચી ગરીબી એણે એક રાત અનુભવી. અને એ ગરીબીમાંથી જ રોગ, વ્યસન, અનીતિ, ગુના અને અશાંતિની જગત વ્યાપી વેલ લંબાય છે. ધનવાનો એ વેલને પોતાના નિવાસ ઉપર પાથરી, ફેલાવી, વિશ્રામઠામની ઠંડક અનુભવે છે ! એ શીતળતાપ્રેરક, છાયાપ્રેરક, પુષ્પપ્રેરક, સુવાસપ્રેરક, વેલી ન હોય પણ અગ્નિપલ્લવ છે, એનો ખ્યાલ માનવજાતને ક્યારે આવશે ? બીજા પાસે ન હોય એ મારી પાસે હોવું ન જોઈએ એ નિષેધાત્મક આગ્રહ માનવજાતમાં ન થાય ત્યાં સુધી સંપત્તિ, સાધન, સમૃદ્ધિ, એ આગના ટુકડા જ રહેશે.

ચાલતે ચાલતે સૂર્યોદય પણ થઈ ગયો. વરસાદ બંધ પડ્યો હતો છતાં છરી લેઈ સંતાતા ગુંડાઓ કે તેમાંથી ગભરાતાં કંગાળ ગુજરાતી ટોળાં હજી દેખાતાં ન હતાં. ગૌતમે ક્યાં જવું ?

‘ક્યાં ચાલ્યો ?’ ગૌતમને ખભે હાથ મૂકનારે પ્રશ્ન કર્યો. ગૌતમે જોયું કે કીસન પહેલવાન તેની સાથે ચાલતો હતો.

‘ક્યાં જવું એ સમજાતું નથી.’

‘મારી સાથે ચાલ. હું તેને સરસ ગુંડો બનાવી શકીશ.’

‘તમે અનીતિનાં ધામ પણ ઉઘાડ્યાં છે ?'

‘નીતિ અનીતિની વાત જ જવા દે ને ? શરીરને હાનિ કરે એ અનીતિ;