પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૩૭
 

બીજું જે કાંઈ કરો એ નીતિ ! સમજ્યો ?’

ગૌતમ સમજ્યો. આ ગુંડાની સમજ કેટલી બધી સાચી હતી તેનો ખ્યાલ એને તત્કાળ આવ્યો. નીતિની આટલીયે વ્યાખ્યા માનવી સ્વીકારે તો કેટલો ફેર પડે ?

‘હું તો ભગવાનદાસને ઘેરથી રાતનો ચાલ્યો આવ્યો છું.’

'મેં જાણ્યું. માટે જ તને શોધવા નીકળ્યો. બોલ, તારી શી મરજી છે?’

‘પોલીસને આધીન થઈ જાઉં...'

'શા માટે?'

‘ભગવાનદાસ મારા જામીન થયા છે.’

‘ભલે ને એના પાંચસો હજાર જાય ? એટલામાં એ મરવાનો નથી.’

‘અને બીજે જવું પણ ક્યાં ?'

‘તારી ઇચ્છા હોય તો હું તને એવો બદલી નાખું કે તું તને પોતાને પણ ઓળખી નહિ શકે. માત્ર મારી જોડે રહેવું જોઈએ.’

‘જે કામ તમે કરો છો એ કામનો હું સામનો કરું છું.’

‘એટલે એમ કહે ને કે તારે દેશસેવા કરવી છે !’

'હા.'

‘હું સમજ્યો. પણ તારી દેશસેવામાં તારે શું શું સહન કરવું પડ્યું. એનું તને ભાન છે ?'

‘એ ભાન મને ન કરાવશો.'

‘એટલે નહિ પતે. કેદખાનું અને ભૂખમરો એ બે હજી તે જોયાં નથી.’

‘માટે જ પોલીસ પાસે હાજર થવું છે.’

'ગૌતમ, તારા જેવા કંઈક યુવકો પાછા ફર્યા. હિંદુસ્તાનને સેવાની જરૂર નથી. એ નાલાયક પ્રજાનું પતન કોઈ ખાળી શકે એમ છે જ નહિ !’

‘તમે શા ઉપરથી કહો છો ?

‘જાતઅનુભવ ઉપરથી. તારી માફક હું પણ એક દેશસેવક હતો. સેવામાંથી ગુંડાગીરીમાં હું ઊતરી પડ્યો છું.’

'કારણ ?’

'દેશને સેવા જોઈતી નથી.'

‘માટે જ સેવાની વધારે જરૂર.'

'ઠીક, તારી મરજી. જુવાનો ન જ માને. બાકી જો આ ક્ષણ ચૂકીશ તો બધું ચૂકીશ.’