પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮: છાયાનટ
 


'શી રીતે ?'

‘તારે કૉલેજમાં દાખલ થવું હોય તો તે હું કરાવી આપું.’

‘અં હં.'

‘આરોપમાંથી છૂટવું હોય તો તે પણ મારા હાથમાં છે.'

‘એમ ? સત્તાધીશ તમે કે સરકાર ?’

‘તું તો ભણેલો છે, ખરું ને ?’

ʻસાધારણ.'

‘વાંચનારો પણ ભારે નહિ ?’

‘ખરો.'

‘પશ્ચિમના આઝાદ દેશોમાં રાજ્યસત્તા ગુંડાઓ ઉપર આધાર રાખે છે, તે તું જાણે છે ?'

'કેટલાક કહે છે. પણ હું એટલું બધું માનતો નથી.’

‘લોકમત વિષે ભાષણ આપતી વખતે નેતાઓની સભાઓ ચાલવાતૂટવાનો આધાર ગુંડાઓ ઉપર રહે છે, એ તેં સાંભળ્યું છે ?'

'હા.'

'અને મતનાં વેચાણ થાય છે એની તને ખબર છે ?'

‘કંઈક ખરું.'

‘ધાકધમકી અને સરસિફારસ પણ એમાં ફેલાયલી હોય છે જ, નહિ?'

'હા.'

‘અને છતાં એને લોકશાસનવાદ કહે છે !’

‘હિંદના સત્તાવાદ કરતાં એ વધારે સારું. નિદાન લોકો પાસે જવું તો પડે જ છે.'

'ઠીક. આપણે ત્યાં પણ એ વાત આવે છે. લોકશાસન મારે પણ કબજે કરવું છે.’

‘એટલે ?'

‘પ્રતિષ્ઠાહીન ગુંડો મટી પ્રતિષ્ઠિત ગુંડો થવા માગું છું.' હસીને કીસને કહ્યું.

'કારણ ?’

'સત્તા વધારવા.'

‘આ બધું મને કેમ કહો છો ?’