પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નિદ્રા એટલે સામર્થ્યનો અખૂટ ઝરો.

ગૌતમની ઓરડીના બારણા ઉપર ટકોરા પડ્યા છતાં તે ઊઠ્યો નહિ. પરંતુ બારણા ઉપર પડતા મુક્કા નિદ્રાનાં ઊંડાણમાંથી માનવીને બહાર ખેંચી લાવે છે. ગૌતમે ખડખડાટ સાંભળ્યો અને તે ઊઠ્યો. તેણે બારણું ઉઘાડ્યું. વરસાદ રહી ગયો હતો અને સૂર્યપ્રકાશ ધીમે ધીમે વાદળાંને ભેદતો હતો. ઠંડી હવા આખા વાતાવરણમાં શૈત્ય ફેલાવી રહી હતી. સારી નિદ્રાએ ગૌતમને સ્ફૂર્તિ આપી હતી.

‘શું છે ? કેમ બારણાં ઠોકે છે ?’ ગૌતમે પૂછ્યું.

‘પોલીસ આવે છે. તારી જ ઓરડી ઉપર ધસારો લાગે છે. છે કાંઈ ખસેડવા જેવું ?' અરવિંદે પૂછ્યું. અરવિંદ તેનો અંગત મિત્ર હતો.

‘ના. ભલે આવે.' ગૌતમે કહ્યું અને તત્કાળ કૉલેજના પ્રિન્સિપાલ અને પોલીસ અમલદારો ઓરડી પાસે આવી પહોંચ્યા. પાછળ વિધાર્થીઓનું નાનું ટોળું પણ ભેગું થવા લાગ્યું.

‘ગૌતમે પ્રિન્સિપાલને સલામ કરી, જે તેમણે ઝીલી નહિ. પ્રિન્સિપાલ દેશી હતા એટલે કે હિંદી હતા. કેટલીક ઊંચી જગાઓ ઉપર ગોરાઓ જ નીમી શકાય એવી ચાલી આવેલી પ્રથાના આછા ભંગનો લાભ એ વર્ષે જ આ હિંદી પ્રિન્સિપાલને મળ્યો હતો, પરંતુ રાજકર્તા તરીકેના સ્વભાનપૂર્વક ગોરા અમલદારો જે સ્વાભાવિકતાથી સત્તા જીરવી શકે છે તે સ્વાભાવિકતા દેશી અમલદારો ભાગ્યે જ ખીલવી શકે છે. અંગ્રેજી ઢબનાં કપડાંની માફક અંગ્રેજી ઢબની અમલદારી દેશીઓને બંધ બેસતી આવતી નથી. વિદ્યાર્થીઓ હજી ગોરા પ્રિન્સિપાલનું ગૌરવ યાદ કર્યા કરતા.

સલામના જવાબમાં પ્રિન્સિપાલે ગુસ્સે થઈ કહ્યું : 'ગૌતમ ! તારે આ ઓરડી ખાલી કરવી પડશે.'

‘મારો કાંઈ ગુનો ?’ ગૌતમે પૂછ્યું.

‘ગુનો ? જો આ પોલીસ અમલદાર તપાસ હુકમ લઈ આવ્યા છે તે.'

'શાની તપાસ?’

‘તારી ઓરડીની.'

‘હું કાંઈ ચોરી કે લૂંટનો માલ ઓરડીમાં રાખતો નથી.’