પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨: છાયાનટ
 


‘પેલા ખૂન કેસમાં બચી ગયો તે ?'

‘હા, જી ! સંભાળવા જેવો છે !’

'હજી મૂછ તો ફૂટી નથી અને એટલામાં આવાં તોફાન !’

‘આજના છોકરાઓને મૂછ ફૂટતી જ નથી ને, સાહેબ ! એમની વાત જ ન કરશો. એમને તો રાજ લેવું છે, રાજ !’

‘માબાપના પૈસા ! કૉલેજમાં મોજ કરવી, અને મોજથી પૂરું ન પડે એટલે આવું તોફાન કરવું ! કોના બાપની દિવાળી ! રાજ કરવું છે ! હવે ખબર પડશે.' કહી ફોજદાર સાહેબ તિરસ્કારભર્યું હસ્યા. કીસને તેમના હાસ્યને પોતાના હાસ્યથી અનુમોદન આપ્યું.

ગૌતમ કીસનની યુક્તિ સમજ્યો. ગૌતમને પોલીસથાણે આવવું જ હતું. એનો લાભ લેઈ જાણે કીસને જ ગૌતમને પકડી આણ્યો હોય એવો દેખાવ કરી ફોજદારનો સદ્ભાવ વધારવો હતો.

કે પછી જાણીબૂજીને કીસન તેને સપડાવતો હતો ?

‘મારે શું કરવું ?’ ગૌતમને આ વાતચીતમાં પોતાનું સ્થાન સમજાયું નહિ એટલે પૂછ્યું.

‘તમને હવે ફૂલહાર કરીશું, સમજ્યા ને ? અલ્યા ચાંદમિયાં, બેસાડ એને બહાર. જરા વાર રહીને એનો જવાબ લેઈએ.' ફોજદાર સાહેબે આજ્ઞા કરી, અને ચાંદમિયાં એને બહાર લેઈ ગયા.

એકાદ કલાક તે બહાર સિપાઈઓ ભેગો બેઠો. ગુનેગારોને બેસવા માટે થાણામાં કાંઈ સાદડી, શેતરંજી, ગાલીચા કે ખુરશીઓ હોતાં નથી. કાંઈ પણ કાર્ય વગર, નિદાન વાંચન વગર પણ બેસી રહેવું એ ભણેલા યુવકો માટે સજારૂપ છે. બીતે બીતે વર્તમાનપત્રો વહેંચતા ફેરિયા પાસેથી પડાવેલા એક દૈનિક ઉપર ભણેલા સિપાઈઓ તૂટી પડ્યા હતા. ગૌતમને વર્તમાનપત્રો વાંચવાનું વ્યસન હતું. કૉલેજના વાંચનાલયમાં જ ગૌતમની વધારેમાં વધારે હાજરી રહેતી. તેનાથી વર્તમાનપત્ર મંગાઈ ગયું. પરંતુ ગુનેગારને એ લાભ આપવાની જરૂર પોલીસને ન દેખાય એ સ્વાભાવિક કહેવાય.

કલાક પછી ગૌતમને ફોજદાર પાસે લેઈ જવામાં આવ્યો. ત્યાં એનો જવાબ થયો. કીસને ફોજદાર સાહેબના દેખતાં જ ફરી ગૌતમને પૂછ્યું :

‘કેમ ? આ છેલ્લી તક છે. છૂટવું છે કે રહેવું છે ?’

‘જે સાચું હશે તે કહીશ, છૂટું કે નહિ તેની પરવા નથી.’