પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૪૫
 

પડછાયો પણ પાડી ન શકેલા સહુ વર્ગો આમ હુલ્લડ શમતા જાગૃત થઈ ગયા અને સહુએ ખાતરીપૂર્વક માન્યો કે હુલ્લડ શમ્યું તે તેમને જ લીધે !

અને એક દિવસ કાચી જેલમાંથી સિપાઈઓ ગૌતમને કચેરીમાં લેઈ ગયા.

સત્તાસલામત ન્યાયાધીશોને અને ધનસલામત વકીલોને સુધરેલું ઝનૂન ચઢ્યું હતું. એ અદાલત - બહાદુરોએ બાંયો ચઢાવી ન્યાયાધીશે પોતાનો ખજાનો ભરતા ભારે પગારની હૂંફ વડે બદમાશોને સખ્ત સજા કરવાનો નિશ્ચય કર્યો, જોકે પુરાવાની તુલના માટેની ચીવટાઈ તો તેમણે રાખવાની હતી જ. માત્ર અનેક પ્રશ્નો પૂછનાર ને સાંભળનાર ન્યાયાધીશોમાંથી કોઈએ પોતાની જાતને એક સવાલ પૂછ્યો ન હતો. બદમાશને ન્યાયાધીશ જેટલો પગાર મળતો હોય તો બદમાશ બદમાશી કરે ખરો ? પરંતુ એ પ્રશ્ન કોઈ પણ કાયદામાં આવતો ન હોવાથી અર્થવાદી સમાજમાં અપ્રસ્તુત બની જાય છે.

વકીલોને હુલ્લડ દરમિયાન કામ પહોંચતું નહિ; કારણ પક્ષકારો હાજર રહી શકતા નહિ ! વકીલની દુનિયામાં દોષપાત્ર પ્રાણી એક જ છે - અસીલ. અસીલનો પૈસો એ જ બ્રહ્મ સરખો સત્ય હોવાથી અસીલનો કેસ અને તેના પુરાવા તો માયારૂપ મિથ્યા જ મનાય. મુદત એ વકીલનો અવારનવાર વિસામો છે. ધનસંગ્રહ માટે ઝૂઝનાર વકીલને હુલ્લડ જેવા સમયે પક્ષકારોના દોષ ઉપર મુદત ન મળે એવો અન્યાય આપણી અદાલતો કરે એમ સંભવતું નથી. હુલ્લડ પૂરું થયે મુકદ્દમાઓના ફાલ તૈયાર થાય છે, અને વકીલ સારા પ્રમાણમાં પાકને લણી લે છે. ઈશ્વરની માફક હુલ્લડ પણ કેટલાકને આશીર્વાદરૂપ નીવડે છે.

કચેરીમાં વકીલો બિરાજ્યા હતા. ન્યાયાધીશ સાહેબ જરા રહીને છડીદાર સાથે આવી ઊંચે બેસાણે બેસી ગયા. ઊભા થઈ તેમને માન આપવાની ક્રિયા રોજની હોવાથી તેમાં ન્યાયાધીશનું ધ્યાન ન જાય એ સ્વાભાવિક છે, ‘તારું નામ શું ? તારા બાપનું નામ શું ?’ જેવા વિવેકભર્યા પ્રશ્નો ઉપરથી પૃચ્છક ન્યાયાધીશ આરોપીની જાત ઉપર અને ઉમર ઉપર જાય છે ! ગૌતમને એ બધા પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો.

ન્યાયાધીશે ગૌતમને વકીલ માટે પૂછ્યું :

‘નહિ નામદાર, મારો કોઈ વકીલ નથી.' ગૌતમે કહ્યું.

‘વકીલ વગર કેમ ચાલશે ?'

‘મારે તો વકીલોએ કલંકિત કરેલો ન્યાય ન જોઈએ.’