પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ઃછાયાનટ
 

પ્રતિષ્ઠિત વકીલની ધૂળ આવી જ રીતે કોઈ અજાણ્યા સિપાઈએ ખંખેરી હતી, છતાં તેમણે તે વાત બાજુએ મૂકી દીધી. એટલું જ નહિ પણ સારી ફી મળતાં તેમણે પોલીસના વધી પડેલા કેસોમાં અપાર મહેનત પણ કરી હતી ! ગમે તેમ હોય; પણ સરકારી નોકર ઉપર ફરજ બજાવતી વખતે તેણે હુમલો કર્યો એ વાત તેના જ કથન પ્રમાણે સાબિત હતી.

વળી જામીન થનારને થાપ આપી તે ભાગી જતો હતો. એ પણ એનું કૃત્ય ભુલાય એવું ન હતું. એ સિવાય એની પૂર્વ કારકિર્દી પણ આ કામે વિચારણા માગતી હતી. રાજદ્રોહી સાહિત્ય તે વાંચતો હોવાનો, લખતો હોવાનો તેના ઉપર આરોપ આવ્યો હતો. કૉલેજની એક મહાભયંકર હડતાળ તેણે યોજી હતી, અને અનેક વિદ્યાર્થીઓને આડે રસ્તે તે દોરતો હતો એવા પુરાવાને લઈને તેને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.

વાત એટલેથી અટકતી ન હતી. ક્રિકેટ મેદાનમાં થયેલા ખૂનનો શક પોલીસને આરોપી ઉપર જ આવ્યો હતો. મરનાર યુવાને કોઈ મુસ્લિમે ખૂન કર્યાનું લખાવ્યાથી એ બચી ગયો. અને એ બિના એની વિરુદ્ધ લાવી એને બદનામ કરી શકાય નહિ એ ખરું; છતાં હુલ્લડ એ પ્રસંગમાંથી ઊભું થયું છે એ હવે સાબિત વાત હતી. ઘાયલ યુવાનની પાસે બીજું કોઈ જ નહિ અને આરોપી શા માટે ગયો એની તો કલ્પના જ થઈ શકે. શહેરના સર્વ ઘાયલો પાસે જઈ સારવાર કરવાનું કાર્ય એણે સ્વીકાર્યું જાણ્યું નથી. વળી હુલ્લડના મહત્વના વિભાગોમાં એક સક્રિય રીતે દેખાયો હતો, એ બતાવી આપે છે કે હડતાળ યોજનાર હુલ્લડ પણ યોજી શકે.

આવા સર્વ રીતે ભયંકર પુરવાર થયેલા યુવાનને માત્ર ન્યાયની ખાતર જ નહિ, સમાજના રક્ષણ ખાતર જ નહિ, પરંતુ તેની જાત ઉપર દયા કરવા ખાતર, તેને ગુનાઈત વૃત્તિઓથી દૂર કરવા ખાતર, એ વધારે ગુના ન કરી શકે એવા બંધનમાં રાખવો એ જ ઉચિત, કાયદેસર, વ્યવહારુ અને માણસાઈભરેલું કહેવાય.

ગૌતમને ગુનેગાર ઠરાવવા પ્રવૃત્ત થયેલી બાજુની આ દલીલ.

આપણા ન્યાયની ખૂબી એ છે કે બચાવ ન કરનારને પણ બચાવની સગવડ અપાય છે ! ગૌતમે કોઈ વકીલ રોક્યો ન હતો. ન્યાય આપવાના પુણ્યાર્થે વકીલો તરફથી લેવામાં આવતી ફીનો આંકડો એવડો મોટો હોય છે કે એના સંતાપમાં ન્યાય મેળવવાનું બાજુએ મૂકી દુનિયા મોટે ભાગે અન્યાય સહી લે છે. અલબત્ત ન્યાય અપાવતાં અટકાવતી ભારે ફી અન્યાય