પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શઃ૧૪૯
 

છે એમ હજી વર્તમાન ન્યાયશાસ્ત્રને ખબર પડી નથી. વળી ભારે પગારના ન્યાયાધીશો ન્યાયાસને બેસતા હોવા છતાં ન્યાયના કામે વકીલની શા માટે જરૂર હોવી જોઈએ. એ ગૌતમની બુદ્ધિમાં અને ઘણા ગરીબોની બુદ્ધિમાં ઊતરી શક્યું નથી. છતાં ગરીબોને ન્યાય ન મળે એ સહી ન શકતા ન્યાયતંત્રે શરૂઆતના દાખલ થયેલા વકીલોની રોજી ચાલે એવી એક ‘ગરીબ બચાવ'ની યોજના ઘડી છે, એટલે ગૌતમને પણ ઈચ્છા નહિ છતાં વકીલ તો મળ્યો જ. એના છયે મિત્રો એને કદી કદી મળી જતા હતા, વકીલ માટે ઉઘરાણું કરવાની પણ આશા આપતા હતા. છતાં ગૌતમને સરકારે જ વકીલ આપ્યો, જે ગૌતમ પાસેથી કશી જ ફી ન મળવાથી મોટે ભાગે ગેરહાજર, અને હાજર હોય ત્યારે ઉદાસીન રહેતો હતો. ગૌતમની જુબાની જ મૂર્ખાઈભરેલી - એટલે કે તદ્દન સાચી - હોવાથી બચાવનો પુરાવો કરવાનો હતો નહિ. કચેરીમાં બોલવાની ટેવ પડે એ અર્થે ગૌતમના વકીલે તેનો જોરદાર બચાવ કર્યો. તેની ઉમર ઉપર ધ્યાન આપવા, તેના આદર્શવાદી વિચારો તરફ નજર કરવા અને સામા વકીલે કાઢેલાં અનુમાનો ખોટાં છે એવું માનવા તેણે ન્યાયાધીશને વિનતિ કરી.

પરંતુ ન્યાયાધીશે ગૌતમને ગુનેગાર માન્યો, એક નહિ પણ અનેક ગુનાઓની બાબતમાં. ગુનેગારને ઠીક સજા કરવાથી જ ન્યાયાધીશનો પગાર સલામત રહેવાનો છે એવી કાંઈક છૂપી છૂપી લાગણી પણ તેમના હૃદયમાં વસેલી હતી - કારણ ગૌતમ રાજદ્રોહી તો હતો જ, અને તેમનો કૉલેજમાં ભણતો પુત્ર પણ ગૌતમની અસર નીચે ક્રાન્તિની અસહ્ય વાતો કરતો હતો, તે ન્યાયાધીશે કંઈક દિવસથી નોંધી રાખ્યું હતું. વિદ્ધત્તાભરેલો ઠરાવ ન્યાયાધીશે લખી કાઢ્યો અને વિદ્યાર્થીઓથી ઊભરાતી અદાલતમાં તેમણે એ ઠરાવ વાંચી સંભળાવ્યો.

બધા ગુનાઓની શિક્ષા મળીને ગૌતમે માત્ર ચાર વર્ષ કેદખાનું સખ્ત મજૂરીસહ ભોગવવાનું હતું !

આખો ઓરડો સ્તબ્ધ થઈ ગયો !

યુવાન વિદ્યાર્થીઓનાં મુખ બંધ થઈ ગયાં. !

ગૌતમ પોકારી ઊઠ્યો :

‘ઈન્કિલાબ, ઝિંદાબાદ !’

વિદ્યાર્થીઓએ તેનો પડઘો પાડ્યો - મરતો મરતો પડઘો.

‘કાંઈ પણ દેખાવ જે કરશે તેને સખ્ત સજા થશે.' ન્યાયાધીશે સત્તાવાહી સ્વરે કહ્યું અને આખો સમાજ શાંત પડી ગયો.