પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨ઃછાયાનટ
 

અડધો હાથ બંગડીના ખરખલાથી ભરી દીધો. હિસ્ટીરિયાને દબાવવાની તાકાત કેળવી અને એક પત્ની ઉપર જઈ બીજી સપત્ની બનવાની બહાદુરી પણ કેળવવા માંડી.

ભણેલા, વિદ્વાન, નાસ્તિક કહેવરાવવામાં અભિમાન લેતા બુદ્ધિમાનોએ જોશીઓ અને સામુદ્રિકોને શોધવા માંડ્યા. સટ્ટામાં, વ્યાપારમાં, નોકરીમાં વગર મહેનતે કેમ કરીને ભવિષ્ય ખીલી ઊઠે તેની દૈવી તપાસ શરૂ થઈ ગઈ.

શેઠિયાઓનાં ધન, બંગલા, મોટર વધ્યા.

મજૂરોની ઝૂંપડીઓ વધી.

રાજાઓને એકાએક સ્વપ્ન આવ્યું કે તેમણે રાજ્ય કરવાનું છે. ચાણક્ય દીવાનોએ રાજપ્રજા વચ્ચે પિતાપુત્રના સંબંધની દંતકથા ઊભી કરી, પ્રજાને રાજકાજમાં જવાબદારી આપી શકાય જ નહિ એવો ભ્રમ ઊભો કરવા માંડ્યો, અને દેશી રાજ્યો - જેમણે પરાધીનતાને પહેલી પૂજી તેમાં કોઈ ઈશ્વરદત્ત વિશિષ્ટ સંસ્કૃતિ જગતને મળી ગઈ હોય એમ જાહેર કર્યું. જોકે રાજમર્યાદામાં સર્વોપરી તરીકે પોતાને માનતા આખા રજવાડાને સર્વોપરી સત્તા કોણ તે બ્રિટિશરોએ વારંવાર બતાવ્યા કર્યું.

મુસ્લિમોએ શોધી કાઢ્યું કે તેમની અને હિંદુઓની વચ્ચે અભેદ્ય દીવાલ ઊભી છે. હિંદને બે ભાગે ચીરી તેમાંથી પાકિસ્તાન ખેંચી આપવામાં ન આવે ત્યાં સુધી હિંદને એક ડગલું પણ આગળ વધવા ન દેવાય !’ અમે શેર છીએ ! અમે વાઘ છીએ !’

બ્રિટિશ મુત્સદ્દીગીરીએ જોયું કે હિંદની બે જાડી બિલાડીઓ લઢે છે. તેણે જાહેર કર્યું :

'ટંટો પતાવીને આવો. રોટલો મારા હાથમાં છે. ટુકડો રહ્યો હશે તો તમારી તકરાર મટ્યે હું જરૂર વહેંચી આપીશ.’

‘અને... અને... ભૂલશો નહિ કે હિંદમાં બે જ બિલાડીઓ નથી. રાજસ્થાન, અસ્પૃશ્યમંડળ, આદિવાસી તથા સહુ કરતાં વધારે મહત્વના ગોરાઓના ભાગ છે, એ પણ ભૂલવું નહિ. બાકી અમારી તો તમે કહો તેમ કરવાની તૈયારી છે !’

વસ્તી ગણતરીમાં આદિવાસીઓ એકદમ વધી ગયા !

અને અસ્પૃશ્યોએ ધમકી આપી :

‘હિંદુ ધર્મ ! અમને પશુસ્થાને મૂકનાર એ ધર્મ તજીશું તો મુસ્લિમ, બૌદ્ધ, ખ્રિસ્તી, કોઈ પણ ધર્મ અમને ઝડપી લેશે. ઝડપથી અમને ગળે