પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

કેદખાનાના દરવાજાએ આનંદભરી ચીસ પાડી અને કેદખાનું ગૌતમને ગળી ગયું.

કેદખાનામાં પ્રવેશતાં જ ગૌતમે કોઈ કરાલ રાક્ષસી પડછાયાને સામે આવતો જોયો. કેદખાને પણ એ જ ? ગૌતમને નવી જ ઢબનો થરથરાટ થયો.

સમાજના આયનોને બે પાસાં. એક પાસાની રચનામાં કવિતા, સંગીત, ચિત્ર અને ફિલસૂફીનાં પડ પહેલાં છે; બીજા પાસાની રચનામાં કેદખાનાં, દવાખાનાં, કુટ્ટણખાનાં ને કારખાનાં ઊપસી આવે છે. સમાજનો મોટો ભાગ બંનેમાં પોતાનું મુખ નિહાળ્યા કરે છે. આજે ગૌતમ પોતાનું મુખ આાયનાની બીજી બાજુએથી જોઈ રહ્યો.

કેદખાનામાં માનવીઓ ન હતા, માનવ પડછાયા હતા, માનવભૂત હતાં. ગૌતમ એ ભૂતભૂમિનો નિવાસી બની ગયો.

હાથ બંધાવી. તે આવ્યો હતો. પગ પણ અહી બંધાયા. એનો પોશાક બદલાઈ ગયો. સૂથણું, પહેરણ અને ટોપી - વિચિત્ર, જાડાં અને નજરે જોવા પણ ન ગમે એવાં. આખું હિંદ કેદખાનું છે એમ માનીને તો ગાંધીએ ખાદીનો કદરૂપો પોશાક નહિ સર્જ્યો હોય ! પરંતુ સમાજવાદી ગૌતમે તો ખાદીને તિલાંજલિ આપી હતી.

હાથમાં ટીનનું ટમ્બલર.

જમવા માટે ટીનનાં તાંસળાં, બધું જ જમણ ભેગું; અને જમણ એટલે ?...

એણે ચક્કી પણ ફેરવી જોઈ. શરીરબળનું ગુમાન જોતજોતામાં ગળી ગયુ.

એણે ખોદકામ પણ કર્યું. એને પાવડો વાગ્યો અને પગમાંથી લોહી નીકળ્યું. વૉર્ડરે આવી. આવું અણઘડ કાર્ય કરવા માટે તેને ધબ્બો માર્યો. એનું સ્વમાન ભભૂકી ઊઠ્યું. એણે પાવડો ઊંચકી વૉર્ડરને જ લગાવી દીધો, પરંતુ બંધનમાં પડેલા પગ એના દેહને પૂરતી સહાય આપી શક્યા નહિ એટલે એના હાથ વૉર્ડર સુધી પહોંચી શક્યા નહિ. સ્વમાન સાચવવાના ગુના બદલ એને ફટકા મળ્યા અને વધારામાં ચક્કી મળી.