પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦: છાયાનટ
 

ખાતે ખાતે ગૌતમે સંતોષ અનુભવ્યો. અલબત્ત, રોટલામાં કસકસાટ હતો જ, અને વટાણા સાથે ત્રણ ચાર કાંકરા ચવાઈ ગયા એ ખરું, પરંતુ એ ખામીઓ તેને આજ એવડી મોટી ન લાગી કે જેથી તે ખોરાકને ફેંકી દે.

ઉઘાડા પડેલા ટમ્બલરમાંથી તેણે પાણી પણ પીધું. જર્મ્સજંતુઓની હયાતી જ તે ભૂલી ગયો.

આવા બેચાર પ્રસંગો બને તો માનવી ઘેલો થાય, નહિ ?

ગૌતમે એ વિચાર જ છોડી દીધા. એણે મિત્રોને સંભાર્યા, ભણતર સંભાર્યુ. કૉલેજ સંભારી, દેશસેવાની યોજનાઓ વિચારી, જર્મનો સાથે અંગ્રેજોને કાંઈ યુદ્ધ થયું છે કે થવાનું છે એની કેદીઓમાં ચાલતી વાત ઉપરથી રશિયાની પરિસ્થિતિ તે પોતે જાણે સ્ટેલિન હોય એમ વિચારી ગયો. પિતાને અને બહેનોને યાદ કરતા. તેને લાગ્યું કે પાછું હૃદય ધબકવા માંડ્યું. એણે એ વિચાર બદલી નાખ્યા. ઓરડીના જ સહજ બહાર આવેલા નાનકડા ભાગમાં તે બારણાની જાળી સામે નજર નાખી આડો પડ્યો. અંદર તો અંધારું ઘોર હતું. બહાર વીજળીના દીવાનો પ્રકાશ દૂર દૂર દેખાતો હતો, આકાશના એક ટુકડામાં તારાઓ પણ ઝબકઝબક ઝબકી રહ્યા હતા.

તારા ! ગૌતમને એકાએક આનંદ થયો. જાણે રૂંધાયલા માણસે શ્વાસ લીધો.

વિશ્વ છે તો ખરું ! અંધારી કોટડીએ પૃથ્વીને અલોપ કરી દીધી. પરંતુ આ પૃથ્વી સરખી અનેક પૃથ્વીઓને પરિક્રમા કરાવતા તારકસૂર્યો સમૂળ અલોપ નહોતા થયા ! કેવા સુંદર તારા ! હીરામોતી જાણે ઝગઝગી ઊઠ્યાં ! કે મિત્રાની આંખ બધે ટમટમ્યા કરતી હતી ?

‘મિત્રા !’ ગૌતમ હસ્યો. ક્યાં આ અંધારકોટડી અને ક્યાં મિત્રાનો મહેલ ! છતાં મિત્રાના વિચાર તો આ કઢંગી ઓરડીમાં આવી શકે !

સાચું શું ? વિચાર કે વસ્તુ ?

ફિલસૂફીની ગૂંચવણ ઉકેલવાનું તેનામાં સામર્થ્ય ન હતું. એને હવા જોઈતી હતી - ચોખ્ખી હવા. એને દૃષ્ટિ જોઈતી હતી - આખું જગત જોવાય એવી દૃષ્ટિ.

કેદખાનું આખા વિશ્વને પણ સાંકડું બનાવી દેતું હતું, નહિ ? તારા પણ આકાશના એક ટુકડામાં દેખાતા હતા.

તારાના તેજને વળગી ઊંચે ચઢાતું હોત તો ? તોપણ આ જાળીમાંથી ગૌતમનો દેહ કેમ કરી નીકળે ?

કેદખાનાની બહાર ન નીકળાય ? એની દીવાલો ન તોડાય ? ન