પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૬૧
 

ઓળંગાય ? ઘણાએ એ કાર્ય સફળ કર્યું છે.

ચાર વર્ષ તો સતત આ સ્થળે ન જ રહેવાય !
આજથી જ કેદખાનું ભાંગવાની યોજના ઘડાય તો ?

કેદખાનાની ઘડિયાળમાં એક ટકોરો વાગ્યો. બુરજ ઉપરના પહેરેગીરે બૂમ પાડી પોતાની જાગૃતિ જાહેર કરી. નિદ્રાનું એક જબરજસ્ત મોજું ગૌતમ ઉપર ફરી વળ્યું. તારાના પ્રકાશ સામે ત્રાટક કરી રહેલા ગૌતમે આંખ મીચી અને તેને ખબર પણ ન રહી કે તે એક કેદખાનાની કાળી કોટડીની જમીન ઉપર વગર પથારીએ, વગર તકિયે, વગર ઓઢણે સૂઈ ગયો હતો.

કંઈક તારાઓના ઝૂમખાં એની ઓરડી ઉપરથી પસાર થયાં. ગૌતમને અનેક સ્વપ્ન આવ્યાં. પરંતુ તે જાગૃત થયે તેને સાંભરે એવા તીવ્ર ન હતા.

એ જાગૃત થયો ત્યારે જોયું કે ઓરડીની દીવાલ ઉપર બે ઘરોળીઓ ચોટી રહી હતી.

એણે પાસું બદલ્યું. એ પ્રાણી પ્રભાતદર્શનને યોગ્ય ન હતાં !

બાજુના ખૂણામાં એક ખિસકોલી પાછલા પગ ઉપર બેસી આગલા પગમાં વટાણાનો વેરાયલો દાણો લઈ ઝડપથી ખાતી હતી. ગૌતમની આંખ તેની બાજુએ ફરી એટલે ઝટ ખિસકોલીએ દોટ મૂકી. માનવીથી પશુપંખીની સૃષ્ટિ બહુ ડરે છે. માનવીએ માનવી ઉપર કરેલા અન્યાયો અને અત્યાચારો એટએટલા ઘોર છે કે યુદ્ધસંહારનાં લોહીતર્પણ સિવાય એનાં પાપ ધોવાતાં નથી. પશુપંખીની સૃષ્ટિ ઉપરના એના અત્યાચારો એથી પણ વધારે ભયંકર છે ! એ પાપ ધોવા માનવજાતને પોતાનું કેટલું લોહી નહિ રેડવું પડે ?

ખિસકોલી જરા ભીંતે ચડી પાછી અટકી ગઈ. એને પણ માનવીની દોસ્તી જોઈતી હતી. શું ? વિશ્વાસઘાતી માનવી ! સ્ત્રીસૌન્દર્યને રીઝવવા કેટલીયે ખિસકોલીઓની ખાલ માનવીએ ઉઝરડી લીધી છે !

ખિસકોલી પાછી આવવા માંડી; ધીમે ધીમે, રમતે રમતે. ક્વચિત્ ટીટ્ર ટીટ્ર સૂર તે સંભળાવતી હતી. સ્વરરહિત બની ગયેલા જગતમાં ખિસકોલીનો સૂર પણ સંગીતભર્યો લાગે છે.

દૂર વટાણાના બેત્રણ દાણા હજી પડ્યા હતા. ગૌતમ તે લેવા ઊઠ્યો.

બંને ઘરોળીઓ જાળી ઉપર ઊડતા એક પતંગિયાને પકડવા જાળી બહાર ધસી ગઈ.