પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૬૫
 

ભયત્રસ્ત બનાવી દીધી હતી. તેનો દેહધડકાર હજી ચાલુ જ હતો.

ધીમે ધીમે તેનો ધડકાર શમવા માંડ્યો. આંખો સ્થિર થવા માંડી. સ્વસ્થતાભર્યું હલન શરૂ થયું. અને થોડી વારે તો તેણે એક ઝીણી અવાજ-ઘંટડી પણ વગાડી.

ગૌતમ બહુ જ રાજી થયો. તેને હસવું પણ આવ્યું. તેણે હસતાં હસતાં કહ્યું :

‘નૂર, તું ગુજરાતી યુવતી હોત તો તારું હૃદય ક્યારનું બેસી ગયું હોત !'

ગૌતમને એ રાત્રે સુંદર સ્વપ્ન આવ્યાં. નૂર એની પાસે જ ચોંટીને સૂતી હતી. ગૌતમના હલનમાં તે કચરાઈ જાય એટલી નાનકડી હતી; પરંતુ તેને જરાય ઈજા થઈ નહિ. પ્રભાત થતાં તો તે પાછી દોડવા અને રમવા માંડી. એટલું જ નહિ, કાળ સરખી બિલાડીને વીસરી જઈ એણે ઓરડી બહાર દોડવા માંડ્યું.

‘નૂર, તું મરવાની છે, હોં !' જાળી પાછળ ગૌતમ બોલતો હતો. થોડી વારમાં નૂર સડસડાટ એક ઝાડ ઉપર ચડી ગઈ. ગૌતમે જોયું કે ત્રણ ચાર માણસો તેની ઓરડી તરફ આવતા હતા. તાળું ખોલતે ખોલતે એક માણસે પૂછ્યું :

‘અલ્યા, કોની જોડે વાત કરતો હતો ?'

‘એકલો બોલતો હતો.... અને કોઈ વાર એક ખિસકોલી જોડે.'

‘ગાંડો થઈ જવાનો.’ બીજા માણસે કહ્યું.

‘તે થવાનો બાકી છે ?’ ત્રીજા માણસે કહ્યું.

'એકાંત ઓરડીની સજા પૂરી થવાથી તેને પાછો સામાન્ય કેદી સમૂહમાં મૂકવા માટે લેઈ જવા આ માણસો આવ્યા હતા.

‘મારે આ ઓરડી છોડવી નથી.' ગૌતમને ખબર પડતાં તેણે જવાબ આપ્યો.

‘તારો હુકમ અહીં ઓછો ચાલે છે ?’

‘હું ત્યાં આવીશ તો ફરી તોફાન કરીશ.’ ગૌતમે ધમકી આપી.

'તે વખતે જોઈ લેવાશે. અત્યારે તો ચાલ.'

‘મારી નૂરને લઈને હું આવું.’

‘બેવકૂફ ! અહીં વળી કયી તારી નૂર સંતાઈ છે ?’

‘પેલી ઝાડ ઉપર બોલે છે તે !’ ઝાડ ઉપરથી આવતા નૂરના બોલને એકાગ્રતાપૂર્વક સાંભળી રહેલા ગૌતમે કહ્યું.