પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : છાયાનટ
 

લાગી.

‘એટલા ટુકડામાં કોણ મરી જાય તે હું તને હમણાં બતાવું છું.' કહી એ કેદીએ પોતાના હાથમાં રાખેલું માટીનું મોટું ઢેકું ખિસકોલી ઉપર ફેંક્યું. ચપળ જાનવરની ચપળતા પણ એને કામ ન લાગી, અને એ માટીનો ટુકડો આબાદ એને વાગ્યો.

ગૌતમે કેદીને રોકવાનો કરેલો પ્રયત્ન પણ એક ક્ષણ મોડો પડ્યો અને ગૌતમે ફાટી આંખે જોયું કે એક નાજુક ખિસકોલી એક જ આામળો ખાઈ ચપટ પડી રહી હતી !

ગૌતમના હાથમાં કોદાળો ન હતો. નહિ તો આમ નિર્બળ જાનવરનું ખૂન કરવા માનવીનું તે ખૂન કરી નાખત. તેણે એક જબરજસ્ત મુક્કો કેદીના મોં ઉપર ખેંચી કાઢ્યો. મજબૂત કેદી એ પ્રહારથી જમીન ઉપર ગબડી પડ્યો, અને આસપાસના બેડીબંધુઓ તત્કાળ ભેગા થયા ત્યારે ગૌતમ નૂરની પાસે બેસી તેને એકીટસે નિહાળી રહ્યો હતો.

ગૌતમે એ નાજુક દેહ ઉપર આંગળી ફેરવી. નૂર સહજ હાલી, એણે આંખ પણ ખોલી અને ગૌતમની આંખ સાથે દૃષ્ટિ મેળવી તે ઊલટી પડી. ચત્તી પડેલી ખિસકોલીની આંખ ખુલ્લી થઈ ગઈ. તે મીંચાતી ન હતી. ગૌતમ સામે તે જોયા કરતી હતી. ક્ષણ બે ક્ષણ, પાંચ ક્ષણ, ગૌતમ તેની સામે જોઈ રહ્યો.

ગૌતમનું હૃદય હાલી ઊઠ્યું. તેણે પોતાની આંખ મૃત પશુ તરફથી ખસેડી લીધી. ત્યાંથી તે પોતાના સ્થાન ઉપર આવ્યો અને તેની આંખમાં વહી આવતા હૃદયને અટકાવવા તેણે કોદાળા વડે એકીટશે એટલું ખોદવા માંડ્યું કે એ સ્થળે ખાડો પડી ગયો !

કોઈએ ગૌતમને બોલાવ્યો નહિ અને ગૌતમે પણ કોઈને બોલાવ્યા નહિ.

દિવસ ઊગે અને રાત પડે, ગુપચુપ વગર બોલ્ય ગૌતમ કામ કર્યો જતો હતો. એના જીવનમાંથી રસ ઊડી ગયો; એના હૃદયમાંથી જેમ ઓસરી ગયું.

એકાદ સહાનુભૂતિવાળા સાથીએ આશ્વાસન પણ આપ્યું :

‘ખિસકોલી તે કાંઈ એક જ હશે ? નૂર મરી ગઈ એમ શા ઉપરથી ?’

બીજા કોઈએ એમ પણ વાત ફેલાવી કે એ પ્રસંગ પછી એકાંત કોટડીમાં એક ખિસકોલી બેસી રહેલી તેણે જોઈ હતી. એ જ નૂર હશે. ગૌતમ શા માટે દુઃખી થાય ? નૂર મરી જ નથી ગઈ !