પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : છાયાનટ
 


કેદમાં એ સહરાના ધગધગતા રણને અનુભવતો. કેદ બહારના ભાવિમાં તે ઉત્તર ધ્રુવની બળતી અને બાળતી શીતળતા નિહાળતો. કેદખાનું પણ સરખું, બહારનો પ્રદેશ પણ સરખો ! એણે શાનો કંટાળો ઉપજાવવો ?

કેદખાનેથી બહાર નીકળ્યા પછીની એની ઘડાતી યોજનાઓ પેલા કેદીના ઘાએ છિન્નભિન્ન કરી નાખી. જે જીવન એને આબેહયાત દેખાયું હતું એ જીવન તો જંતુભર્યું બંધિયાર ખાબોચિયું બની ગયું. ખાબોચિયા ઉલેચનારને ઉત્સાહ શો ? જીવન એટલે વેઠ ! કંટાળો કે ન કંટાળો, વેઠ વહેવાની જ.

કોઈ કોઈ વાર એ હિંદુભૂમિ ઉપર ઘૂમતા પડછાયાઓને મળતો.

‘જાણ્યું કોનો વિજય થયો તે ?' કોઈ પડછાયો પૂછતો.

‘ના ભાઈ. કોનો વિજય થયો ?’

‘હિંદુઓનો.’

‘એમ ? કેવી રીતે ?’ ગૌતમે પૂછ્યું.

'કારોબારી મંડળમાં એક હિંદુ નિમાયો.' એક પડછાયાએ કહ્યું.

‘અરે જા ! બે મુસ્લિમો તો એ મંડળમાં ક્યારનાયે છે.’ બીજો પડછાયો બોલી ઊઠ્યો.

'પણ એમાં હિંદી કેટલા છે ?’ ગૌતમે પૂછ્યું.

‘એ શી ખબર પડે ? એક જણ તિલક કરે છે અને બીજો દાઢી રાખે છે' એમ પડછાયાએ કહ્યું.

‘પછી ?’ ગૌતમને સમજ ન પડવાથી પૂછ્યું.

‘પછી ? વિજય થયો !’

‘કોનો ?'

‘એ કહેવું પડશે ? સાચો વિજય બ્રિટિશ સત્તાનો ! કેવા લઢી મરો છો, બચ્ચા ?’ કહી પરમ આનંદથી ત્રીજો પડછાયો નૃત્ય કરતો.

એક વાર એણે જોયું કે કૂકડાં, ઘેટાં, પાડા અને હાથી સામસામી ટક્કર કરતા હતા. ટક્કર કરતાં પ્રાણીઓની આસપાસ જેમના તેમના પક્ષના માણસો ઊભાં રહી પ્રાણીઓને થાબડી ઉશ્કેરતાં હતાં.

એકાએક એ માણસો જ ઘેટાના સ્વરૂપમાં બદલાઈ ગયાં. તેમની લઢાઈ ગોરા માનવીઓ જોતા હતા.

એક ઘેટો પાછો હઠ્યો. તેને થાબડી હિંમત આપવામાં આવી :