પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૭૧
 


‘અરે બહાદુર, તું પાછો હઠે ? ચલ, આગે બઢ અને લગાવ જોર ! શાબાશ !'

લઢાઈ ફરી જામતી અને બીજો ઘેટો પાછો હઠતો. એને બીજા પક્ષ તરફની ઉશ્કેરણી થતી :

‘વાહ મેરે બહાદુર ! તું પાછો હઠે તો તારા પૂર્વજો લાજે. લગે લગે ! શાબાશ !'

અને બંને ઘેટા પાછા વજ્રકાટકા સાથે પરસ્પર અથડાતા.

‘આ કોણ લઢે છે એ જોયું ?' ગૌતમે પ્રશ્ન સાંભળ્યો.

‘ના; પૂરું ન સમજાયું.’

‘એ લઢે છે તે એક તું અને બીજો તારો ભાઈ.’ અવાજ આવ્યો.

‘અને પ્રેરણા પાય છે તે કોણ ?’

‘ઓળખી કાઢ.'

'નથી ઓળખાતા.'

‘ઓળખાય નહિ ત્યાં સુધી તમે બંને લઢ્યા કરજો. જગતનાં માનવીઓને રંજન માટે ખેલ જોઈએ ને ?'

‘લઢતાં લઢતાં એકાદ ઘેટું ઘવાયું તો ?'

'મિજબાનીનું મેજ ભરાશે ! બીજું શું ?’

‘કોનું મેજ ?’

અને ઉત્તરમાં હસતો છાયાનટ આકાશમાં અલોપ થઈ જાગી ગયેલા ગૌતમને વ્યગ્રતાપૂર્વક જાગૃત રાખતો.

પરંતુ આ ત્રીજા વર્ષમાં કોઈ કોઈ વાર જ બનતું. સ્વપ્ન ગૌતમને વધારે ગમગીન અને વધારે શાંતિ બનાવતું. એ દિવસ અને એ રાત પણ વારાફરતી ચાલ્યે જ જતાં.

એક દિવસ ગૌતમને ખબર પણ નહિ અને કેદખાનાના દરવાજાએ ઉપાડી. ગૌતમને બહાર મૂક્યો.

‘કેમ ? મને ક્યાં મોકલો છો ?’ ગૌતમે પૂછ્યું.

‘કેદખાનાની બહાર. તું હવે છૂટ્ટો થયો. સજા પૂરી થઈ.’

‘બહાર જઈને શું કરું ? ટેવ અહીં રહેવાની પડી છે; બહાર અજાણવું લાગશે.'

પરંતુ એનું કથન કોઈએ ગણકાર્યું નહિ. ગૌતમને બહાર મૂકી દરવાજા બંધ થયા. દરવાજાએ ઝીણો નાદ, બંધ થતે થતે કર્યો.