પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦: છાયાનટ
 


‘પણ, ઈન્સક્ટર સાહેબ ! આ પુસ્તક શા માટે લેઈ જાઓ છો ?' ગૌતમે એક ગુજરાતી પુસ્તક તરફ અંગુલિનિર્દેશ કરી કહ્યું.

‘એ તો, ખાસ વાંધાભરેલું પુસ્તક લાગે છે !’ પોલીસ સાહેબે કહ્યું.

'કારણ ?’

‘જુઓ, વાંચો !’

‘શું વાંચું ?’ એ તો એક કવિતાનું પુસ્તક છે.’

‘રશિયાની કવિતા હોય તો જપ્ત કરવાની છે.'

‘આ રશિયાની કવિતા ન હોય. એ તો ગુજરાતની પ્રેમ કવિતા છે.’

‘મને છેતરવો છે ? પોલીસ છેતરાઈ જાણી છે ?’

‘કેવી રીતે હું તમને છેતરું છું ?'

‘આ મથાળું વાંચો. લિપિ મને પણ વાંચતાં આવડે છે.'

‘રસિયાના રંગ ! એમાં શું વાંચવાનું છે ?’

'There you are.[૧] રશિયાના રંગ ! '

‘અરે સાહેબ ! રસિયા અને રશિયા બંને જુદાં છે.' ખડખડ હસીને ગૌતમે જવાબ આપ્યો.

‘તમે તે સાબિત કરજો. પુસ્તક મને તો વાંધાભર્યું જ લાગે છે.' પોલીસ અમલદારે કહ્યું. રસિયાના રંગ નામના કવિતાસંગ્રહમાં પોલીસ અધિકારીને રશિયાના રંગ વંચાયા. ઘણા અભેદો સ્થાપન કરતાં પોલીસખાતાને માટે 'સ' તથા 'શ' વચ્ચેનો અભેદ વધારે પડતો ન જ કહેવાય !

‘પ્રિન્સિપાલ સાહેબ ! આપ તો કાંઈ કહો ? આપ જોઈ શકો છો કે આ પ્રેમ કવિતામાં રશિયાનું નામ પણ નથી.' ગૌતમે હસતાં હસતાં પ્રિન્સિપાલને વિનંતિ કરી.

‘મારે કાંઈ જ કહેવું નથી. મારે એટલું કહેવાનું છે કે તારે આ ઓરડી જ નહિ પણ મારી કૉલેજ સુધ્ધાં છોડવાની છે !' પ્રિન્સિપાલે વિનંતિનો જવાબ આપ્યો.

‘વગર ગુનાએ મને દૂર કરશો એ આ વિદ્યાર્થીવર્ગ સાંખશે. ખરો ?’

‘હું જાણું છું. તેં સભા સ્થાપી છે તે. તારા દોઢસો સભ્યોને પણ કૉલેજમાંથી હું ખસેડી નાખવાનો છું. એ વગર હું કોલેજ જરૂર ચલાવી શકીશ.’

ગૌતમ ચમક્યો. તેની સભા વિષે શું કોઈએ પ્રિન્સિપાલને જાહેરાત


  1. * તમારે મોઢે જ ન્યાય.