પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

કોઈ ગૌતમને ઓળખતું હોય એમ લાગ્યું નહિ. દરવાજાની બહાર પણ મોટું કમ્પાઉન્ડ હતું અને તેમાં સારા બંગલા અને બગીચા હતા. કેદખાનાની સંભાળ લેનાર સાહેબોના એ મુક્ત નિવાસ હતા. એક કેદીએ કહેલી હકીકત અત્યારે તેના ધ્યાનમાં આવી. એ કેદી અને કેદખાનાના સાહેબ વર્ષો પહેલાં સાથે બેસી બહુ સારા પ્રમાણમાં દારૂ પીતા હતા. દારૂને દિપાવનારાં અન્ય સુકૃત્યોમાં પણ તેઓ સાથે જ હતા. જે ગુના કેદીએ કર્યા તે સાહેબે પણ કર્યા હતા. માત્ર કેદીના વિરુદ્ધ ફરિયાદ થઈ અને એ કેદમાં પડ્યો, સાહેબના વિરુદ્ધ ફરિયાદ ન થઈ એટલે તેઓ સાહેબ રહ્યા !

બહારની હવામાં જાગૃતિપ્રેરક તાજગી હતી. ગૌતમ છૂટો થયો હતો ! એ બંધનમાં પડ્યો હતો. ખરો? એણે પાછળ જોયું. સ્વપ્ન જેવું બની જતું કેદખાનું હજી તેની સામે ધૂરકી રહ્યું હતું. અલબત્ત કેદખાનાનાં ચાર વર્ષ એ સાચી જ વાત. હવે તે મુક્ત બન્યો, જગત સાથે તેણે નવો સંસર્ગ મેળવ્યો.

કયો સંસર્ગ ? કયો સંબંધ ? ગૌતમને કોઈ ઓળખતું જ ન હતું. રસ્તા તેના પરિચિત હતા. છતાં ચાર વર્ષે ફરી દેખાયલા રસ્તામાં કશી નવીનતા તો હતી જ ! પોલીસ પણ ત્યાંનો ત્યાં જ ઊભો રહેતો હતો. એ ઓળખીતો તો નહિ હોય ? પોલીસ સામે તાકીને જોતા ગૌતમ પ્રત્યે આગળ વધવાનો હુકમ એ સત્તાધીશે આપ્યો. ગૌતમને દિવસે રસ્તા ઉપર ફરવાની છૂટ હતી.

એનો એણે શો ઉપયોગ કરવો ? ખાનગી મિલકત ગણાતાં મકાનોમાં એ પેસે તો ગૃહપ્રવેશ ગણાય. સરકારી મકાનોને દરવાજે લખ્યું હતું : ‘રાહદારી માટે નથી.' હૉટલ કે ક્ષુધાશાંતિગૃહમાં પૈસા વગર પ્રવેશ થાય જ નહિ. કેદખાનેથી નીકળી તે સ્વતંત્ર બની ગયો ! રસ્તે રખડવાને, ભૂખમરો વેઠવાને, આપઘાત કરવાને તે સ્વતંત્ર હતો ! એ કોણ હતો ? એને શું જોઈતું હતું ? એ પૂછવા માટે કોઈ સ્વતંત્ર ન હતું.

નિષેધાત્મક સંબંધમાંથી વધારે નક્કર સંબંધ બાંધવા કયા માર્ગ લેવા તેની ગૂંચવણમાં પડેલા ગૌતમે જોયું કે તેની પાસે તો સારી વીસ રૂપિયા જેટલી રકમ હતી ! શેખચલ્લીએ ઘીની મજૂરીમાંથી આખી જિંદગીનું સ્વપ્ન રચ્યું; વીસ રૂપિયા જેવી રકમમાંથી તો કેટકેટલાં સ્વપ્ન