પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : છાયાનટ
 


‘શેઠસાહેબ પાસે.’

‘શેઠસાહેબ નથી. જાત્રાએ ગયા છે.’

‘એમના દીકરાને મળવું છે.'

‘કયા દીકરા !’

‘શરદચંદ્ર.’

‘શું કામ છે ?”

‘તે એમને જ કહેવાનું છે.'

‘તમને બોલાવ્યા છે ?'

‘મને કાયમનું આમંત્રણ છે.'

‘જાઓ અંદર.’ કચવાઈને દરવાને કહ્યું.

ગૌતમને લાગ્યું કે કદાચ તેનો દેખાવ હજી પૂરતો સભ્ય નહિ દેખાતો હોય !

અંદર જઈ ગૌતમે અફિસ શોધી કાઢી. ચપરાસી, કારકુન, સેક્રેટરી, ઓફિસ મેનેજર, સહુ વ્યવસ્થિત ઢબે પોતાનું કામકાજ કર્યો જતા હતા. ગૌતમે જઈને પૂછ્યું :

‘શરદભાઈ છે ?’

ચપરાસીને જરા વહેમ પડયો. તેણે અંદર જઈ મૅનેજરને પૂછ્યું અને પછી ઇશારતથી ગૌતમને અંદર બોલાવ્યો. પાસે આવતા બરોબર ગૌતમને પ્રશ્ન થયો :

‘કેમ, કોનું કામ છે ?’

‘શરદભાઈનું.' ગૌતમે કહ્યું.

‘નોકરી લેવા આવ્યા છો ?'

‘નોકરી માટે રખડતો હોઉં એવો હું લાગું છું, નહિ ?’

'લાગો છો કે નહિ એ પ્રશ્ન જુદો છે. કામ શું છે ?'

'તે શરદને જ કહેવાનું છે.’

‘કોઈની ચિઠ્ઠી છે ?”

'ના.'

‘કાર્ડ આપો.'

'કાર્ડનો ખર્ચ હું કરતો જ નથી.’

'આ કાપલી ઉપર તમારું નામ લખો.' તિરસ્કારભરી દૃષ્ટિથી મૅનેજરે કહ્યું.