પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૭૭
 


ગૌતમે પોતાનું નામ લખ્યું અને મૅનેજરને આપ્યું. નામ જોયા વગર જ તેણે ઘંટડી વગાડી ચપરાસીને બોલાવી કહ્યું :

‘અંદર આપી આવ.'

‘ચાની તૈયારી થાય છે.'

‘તું તારે આપી આવ. બનતાં સુધી નહિ મળે. છતાં...' મૅનેજરે વાક્ય પૂરું કર્યું તે પહેલા પટાવાળો ચાલ્યો ગયો.

ગૌતમ ઊભો જ રહ્યો હતો. એને બેસવાનું કહેવા જેટલી ફુરસદ કોઈને ન હતી. મૅનેજરની સામે ચોપડો લેઈ કારકુન ઊભો હતો. તેની જોડે એક મહત્ત્વની વાત આ પહેલાં ચાલતી જ હતી.

'પછી આ રકમ શેમાં નાખું ?' કારકુને પૂછ્યું.

'કેટલી રકમ કુલ થશે ?’ મૅનેજરે પૂછ્યું.

‘ત્રણેક હજારની થશે. - આખી જાત્રા કરીને આવતાં.’

'તે ધર્માદાખાતામાં જ નાખો ને ! શેઠ જાત્રાએ ગયા. તે પુણ્યમાં બધાય શેરહોલ્ડરોનો ભાગ છે વળી !’ મેનેજરે એક આંખ ઝીણી કરી કહ્યું. અને પટાવાળાએ આવી ગૌતમને બહુ જ માનપૂર્વક કહ્યું :

‘પધારો.'

આખી ઓફિસ ગૌતમ તરફ જોઈ રહી. શેઠસાહેબનો ધાર્મિકખર્ચ, મુસાફરીખર્ચ અને જાત્રા ખર્ચ પણ પેઢી ઉપર જ પડે ને ? હિંદમાં એમ જ હોય. વાઈસરૉય પણ પોતાનું કચ્ચું કુટુંબખર્ચ સરકારની તિજોરીમાંથી જ લે છે ને ? તેમની જાત્રાઓ પણ હિંદના ખેડૂતોને માથે, કારણ એ તેમના લાભાર્થે જ હોય છે; વાઈસરૉય દ્વારા ચાલતા હિંદના કારભારમાં ખેડૂતો, કર ભરનારાઓ પણ ભાગીદાર છે ને - સીધી કે આડકતરી રીતે ! ગૌતમે વિચાર કર્યો. શેઠિયાઓ પણ તેમને પગલે કેમ ન ચાલે ?

તેનું ઠરી ગયેલું હૃદય ટુકડે ટુકડે જાગતું હતું શું ? શરદના દીવાનખાનામાં પ્રવેશ કરતા બરોબર એણે અણધારી ઠંડક અનુભવી. Air conditioned - ઠંડકની અમુક જ કક્ષા એ દીવાનખાનામાં રહે એવી યોજના હતી. શરદ ઊભો જ હતો. તે આગળ આવ્યો અને ઉત્સાહથી બોલી ઊઠ્યો :

‘ગૌતમ, Oldboy, તું ક્યાંથી ? ક્યારે છૂટ્યો ?’

'આજે જ.'

‘બદલાઈ ગયો તું.’

‘સંપૂર્ણ તારી માફક.’