પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ : છાયાનટ
 


‘મને મુસાફરીમાં આની ટેવ પડી ગઈ. તું જાણે છે, કૉલેજમાં હું કદી પીતો નહિ.’

સમાજવાદને ઉદ્યોગની દુનિયામાં ઉતારવાનાં સ્વપ્ન સેવનાર યુવકને ઉદ્યોગની દુનિયા જ ગળી ગઈ. સમાજવાદ હજી કલ્પનાના વાતાવરણમાં જ રહ્યો !

શરદ ઊભો થયો. ધનવાનોના દીકરાઓ જ્યારે વ્યવસ્થા હાથમાં લે છે ત્યારે બહુ જ કામગરા હોવાનો દેખાવ કરી શકે છે. ગૌતમ પણ ઊભો થયો.

‘હું થોડા કાગળો પતાવી નાખું. તું અહીં બેસ અગર મારી નાની લાઈબ્રેરીમાં. પછી આપણે સાથે નીકળીએ. બોલ, તારો શો કાર્યક્રમ છે ?' શરદે પૂછ્યું.

‘મારે કશો જ કાર્યક્રમ નથી. માત્ર આજ રાતની ગાડીમાં હું મારે ગામ જઈ આવીશ....'

'તને ખબર તો હશે જ કે, તારી બહેનો અહીં જ છે.'

‘અહીં ? એટલે ?'

તને કોઈએ ખબર જ નથી આપી ?’

‘ના. શાની ?’

‘તારા પિતાના મૃત્યુ પછી...'

ગૌતમ એકાએક નીચે બેસી ગયો. પિતાને અને બહેનોને મળવા તે પહેલી ગાડીની તક શોધતો હતો. બહેનો આ શહેરમાં જ હતી એ આશ્ચર્યજનક વાત તેણે સાંભળી; એટલું જ નહિ, એણે સ્વપ્નને પણ ખ્યાલ નહિ કર્યો હોય એવો પિતાના મૃત્યુનો બનાવ પણ બની ગયો ! એ વાત સાચી હોય ખરી ? શરદ જૂઠું બોલતો હોય, એને ખોટી ખબર મળી હોય -

પરંતુ આવી ખબરો ખોટી હોતી જ નથી.

‘હું બહુ દિલગીર છું. મને લાગ્યું કે તને ખબર તો મળી જ હશે.’ શરદે તેની પાસે બેસી કહ્યું.

થોડી ક્ષણ કપાળે હાથ મૂકી ગૌતમ બેસી રહ્યો. તેના હૃદયે વિચાર કરવાની પણ ના પાડી. તંગ બની ગયેલા હૃદયમાં અશ્રુની કુમાશને પણ સ્થાન ન હતું. દસપંદર ક્ષણ વીત્યે ગૌતમે હૃદય ઉપર જીત મેળવી અને આગળની હકીકત સાંભળવા તૈયારી બતાવી.

‘મારી બહેનો ક્યાં છે ?’

‘રાવબહાદુરને ઘેર સુનંદાને અનિલ સાથે પરણાવી દીધી, અને બંને