પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૮૧
 

બહેનો ત્યાં જ રહે છે.'

અહીં પણ નિરાશા ! જે અનિલ પ્રત્યે ગૌતમને તિરસ્કાર હતો તે જ અનિલ તેનો નજીકમાં નજીકનો સંબંધી બની ગયો !

શરદે કાગળો જોવાનું જરા મુલતવી રાખ્યું અને ધીમે ધીમે તેના કુટુંબનો ઇતિહાસ ટૂંકામાં કહ્યો.

ગૌતમને સજા થઈ તે દિવસે ગૌતમના પિતા વિજયરાય શહેરમાં આવ્યા હતા. રાવબહાદુર નાનુભાઈ વિજયરાયના બાળમિત્ર હતા. વિજયરાયે નોકરી લેઈ લીધી અને તેઓ કારકુન રહ્યા. નાનુભાઈ શહેરમાં આવ્યા અને 'બિઝનેશ’માં પડી રાવબહાદુર થયા. છતાં બંનેએ સાથે જ ગરીબી ભોગવી હતી. એટલે તેમના અંગત સંબંધ અમુક અંશની મર્યાદામાં સચવાઈ રહ્યા હતા. અનિલની જોડે સુનંદાનાં લગ્ન કરવાની વાત વર્ષોથી ચાલ્યા કરતી હતી અને તેમાંયે ગૌતમને સજા થયા પછીના આઘાતમાં પથારીવશ બનેલા વિજયરાયે પોતાના મૃત્યુ પછી પુત્રીઓનો એકે આધાર ન જોતાં કાલાવાલા કરી અનિલ અને સુનંદાનાં લગ્ન કરી નાખ્યાં. ગૌતમ જેમ અનિલને તિરસ્કારતો હતો. તેમ અનિલ ગૌતમને તિરસ્કારતો હતો, પરંતુ તે છૂપી રીતે. જાહેર ઝઘડામાં તે એક ક્ષણ ઊભો ન રહે એવો ભીરુ હતો. ગૌતમને કેદમાં જવાથી મળેલી તત્કાલીન પ્રસિદ્ધિ તેને ખૂંચતી હતી. અને સુનંદા સાથેના લગ્નમાં ગૌતમ પ્રત્યેના છૂપા વેરને વાળવાનું સાધન ઊભું થાય છે એવી ઝેરી માન્યતાને વશ થઈ એણે લગ્નની બહુ ના ન પાડી; જોકે તેની દૃષ્ટિમાં કૉલેજની કૈંક કન્યાઓ ગોઠી ગઈ હતી ! વળી સુનંદાનો દેખાવ કાંઈ ખરાબ ન હતો. સુનંદાનું લગ્ન થયું અને ભગ્નહદથી વિજયરાય મૃત્યુ પામ્યા. અલકનંદાને બીજે જવાનું સ્થાન રહ્યું ન હતું; સુનંદા પાસે જ તે રહેતી હતી.

કેદખાને નૂર મરી ગઈ એ રાત્રે તેને કોઈનું દુ:ખમય મૃત્યુ સ્વપ્નમાં દેખાયું હતું એમ અત્યારે તેને યાદ આવ્યું. પિતાના મૃત્યુનો એ સંદેશ તો નહિ હોય ? ગૌતમ વહેમી બન્યો. જાગૃત જીવન પડઘા સ્વપ્ન પાડી શકે છે એમ તેની ખાતરી થઈ. પિતા વિષે તો હવે બીજું પૂછવાનું રહ્યું નહિ. બહેનોની જ ખબર કાઢવાની રહી.

‘બંનેને ફાવે છે ખરું ?’ ગૌતમે પૂછ્યું.

'Well ! ઠીક છે. અનિલને તો તું જાણે છે.’ શરદે કહ્યું.

‘તો હું તને કામ કરવા દઉં.’

‘ક્યાં જઈશ ?'